આંધ્રપ્રદેશમાં ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના કરૂણ મોત

May 23, 2025

આંધ્રપ્રદેશના પ્રકાશન જિલ્લામાં ભયંકર રોડ અકસ્માતની ઘટના બની છે. અહીં એક કાર અને ટ્રકની ટક્કરમાં છ લોકોના મોત થયા છે. ડ્રાઈવરને ઝોકું આવી જતા આ દુર્ઘટના બની હતી.
પોલીસે જણાવ્યું હતું કે, 'આજે(23 મે) પ્રકાશમ જિલ્લામાં એક ટ્રક સાથે કાર અથડાતા છ લોકો (બે મહિલાઓ અને ચાર પુરુષો) ના મોત થયા હતા અને એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ અકસ્માત બપોરે 1:40 વાગ્યે પ્રકાશમ જિલ્લાના કોમારોલુ મંડળના મોટુ ગામમાં કડપ્પા, ગિદ્દાલુરુ, માર્કપુર અને અન્ય સ્થળોને જોડતા હાઇવે પર થયો હતો.
પ્રકાશમ જિલ્લાના પોલીસ અધિક્ષક એ. આર. દામોદરે જણાવ્યું હતું કે, કારમાં સવાર આઠ લોકો સ્ટુઅર્ટ પુરમ ગામના હતા. અકસ્માત થયો ત્યારે આઠ લોકો મહા નંદીની યાત્રા પરથી પરત ફરી રહ્યા હતા. કાર બેકાબૂ થઈને વિરૂદ્ધ દિશામાં ટ્રક તરફ વળી ગઈ, જ્યારબાદ ટ્રક સાથે અથડાઈ ગઈ. જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસને શંકા છે કે ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ હતી. જો કે, આ મામલે તપાસ ચાલુ છે.