ગુજરાતમાં 27 મે સુધી પવન-ગાજવીજ સાથે વરસાદની આગાહી, 9 જિલ્લામાં યલો ઍલર્ટ

May 23, 2025

અમરેલી - ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. સાયલક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે શુક્રવારે (23 મે, 2025) અમરેલી જિલ્લાના અનેક વિસ્તારો, ડાંગ, ભરૂચ, સુરત સહિત કેટલાક જિલ્લામાં ભારે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે હવામાન વિભાગે આગામી 27 મે દરમિયાન રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 40-60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24-25 મેના રોજ રાજ્યના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


26 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 27 મેના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.


રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 27 મે સુધી રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે શુક્રવારે (23 મે, 2025)ના રોજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના લાઠી અને ગ્રામ્ય પંથક, કુંકાવાવ, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદને પગલે વૃક્ષો પડી જવા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.