કન્નડ ભાષા વિવાદ : ટેક કંપનીના માલિકે બેંગલુરુ છોડી પૂણેમાં કંપની શિફ્ટ કરવાનો નિર્ણય લીધો

May 24, 2025

એક મોટી ટેક કંપની કર્ણાટકની રાજધાની બેંગલુરુથી પૂણેમાં પોતાની ઓફિસ ખસેડવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાછળનું કારણ કોઈ વ્યવસાયિક નુકસાન નથી, પરંતુ ભાષાના વિવાદને કારણે સ્ટાફની સલામતી અને માનસિક શાંતિ છે. કંપનીના સ્થાપક કૌશિક મુખર્જીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ નિર્ણય જાહેર કરતા લખ્યું કે, 'આ વિચાર મારી ટીમ તરફથી આવ્યો હતો. હું તેમની સાથે સંમત છું. જો આ ભાષાનો મુદ્દો ચાલુ રહેશે, તો હું નથી ઇચ્છતો કે મારી બિન-કન્નડ ભાષી ટીમ તેનો ભોગ બને.' તાજેતરમાં એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં બેંગલુરુમાં એક SBI મેનેજરને કન્નડમાં વાત કરવાની ફરજ પાડવામાં આવી રહી હતી. ત્યારે મેનેજરે કન્નડમાં વાત કરવાની ના પાડતા વિવાદ થયો હતો. તેનો વીડિયો વાઈરલ થયો અને પછી બેન્ક મેનેજરની બદલી કરવામાં આવી અને આ મામલો વધુ ગંભીર બન્યો. બેંગલુરુની SBI સૂર્યનગર શાખા, ચાંદપુરામાં એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં એક બેન્ક મેનેજર ગ્રાહક સાથે કન્નડમાં વાત કરવાનો ઇનકાર કરતા જોવા મળ્યા હતા. મેનેજરે તો એમ પણ કહ્યું, 'હું ક્યારેય કન્નડ બોલીશ નહીં, મને નિયમો બતાવો.' આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો. આ વિવાદ પર ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'કર્ણાટકમાં બેન્કિંગ સેવાઓ કન્નડમાં હોવી જોઈએ, આ નિયમ હોવો જોઈએ.' તેમણે આ મુદ્દો કેન્દ્રીય અધિકારીઓ સમક્ષ પણ ઉઠાવ્યો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ મેનેજરના વર્તનની ટીકા કરી હતી અને SBI દ્વારા તેમની બદલી કરવાના નિર્ણયની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, 'હવે આ મામલાનો અંત આવ્યો તેવું કહી શકાય.'