મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત બાદ સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ, અલગ-અલગ જગ્યાએ બેઠકો યોજાઈ

November 25, 2024

મહારાષ્ટ્રમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ સરકાર બનાવવાને લઈને બેઠકોનો દોર હવે શરૂ થઈ ગયો છે. મહાગઠબંધનમાં સામેલ ત્રણેય પક્ષો આજે અલગ-અલગ બેઠકો યોજી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવન કુલે સહિત ઘણા નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલે પહોંચ્યા. આ બેઠકમાં આગામી રણનીતિ અંગેની ચર્ચા કરવામાં આવી અને આ દરમિયાન તાજ લેન્ડ હોટલમાં શિંદે જૂથની બેઠક શરૂ થઈ ગઈ છે.

આ બેઠકમાં એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ સિવાય આજે એનસીપી અજિત પવાર જૂથની પણ બેઠક યોજાઈ છે, જેમાં તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ બેઠક અજિત પવારના ઘરે યોજાશે.

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને ભવ્ય જીત મળી છે. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. મહાયુતિ ગઠબંધનને 233 બેઠક મળી છે. જેમાં ભાજપને 132 બેઠકો, શિંદે જૂથની શિવસેનાને 57 બેઠક, અજીત જૂથની એનસીપીને 41 બેઠક, જેએસએસને બે બેઠકો અને આરએસજેપીને એક બેઠક મળી છે. આ જીત ભાજપ અને તેના સહયોગીઓ માટે ઐતિહાસિક છે.