વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના સાગરીત પર હરિ સિન્ધી સહિત ત્રણનો હુમલો

July 05, 2026

વારસિયામાં ચાલતી ગેંગવોરના પડઘા 9 દિવસ પહેલા રેસકોર્સ વિસ્તારમાં પડયા હતા. જેમાં અલ્પુ સિન્ધી ગેંગના શખ્સ પર હરિ સિન્ધી અને તેના સાગરીતોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હરણી વારસિયા રિંગરોડ દાજીનગર સોસાયટીમાં રહેતા રવિ બીમનદાસ દેવજાની બ્રેડનો ધંધો કરે છે. અકોટા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત 25મી જૂને મળસ્કે ચાર વાગ્યે હું તથા મારો મિત્ર અર્જુન ઉર્ફે બલ્લે ઠાકુર કાર લઇને નટુભાઇ સર્કલ પાસે નાસ્તો કરવા ગયો હતો. રોડની સાઇડ પર કાર ઊભી રાખી અર્જુન નાસ્તો લેવા ગયો હતો. થોડીવાર પછી અર્જુને આવીને કહ્યું કે, હરિ સિન્ધી પણ અહીંયા નાસ્તો કરવા આવ્યો છે, તને બોલાવે છે. જેથી, હું નીચે ઉતરીને તેને મળવા ગયો હતો. ત્યાં હરિ સિન્ધી તથા સાહીલ રાજપૂત અને વિવેક ઉર્ફે બન્ની કેવલાણી પણ હતા. વિવેક અને સાહીલ સાથે અગાઉ મારે માથાકૂટ થઇ હોઇ તેની અદાવત રાખીને મારી સાથે ઉશ્કેરાઇને હરિ વાત કરવા લાગ્યો હતો. મેં તેને શાંતિથી વાત કરવા કહ્યું હતું. હરિ સિન્ધી તથા વિવેક મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. મને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ પૈકી સાહીલ રાજપૂતે મને પાછળથી મારા માથામાં પથ્થર મારી દેતા લોહીલુહાણ થઇને નીચે પડી ગયો હતો. ત્યારબાદ તેઓ ભાગી ગયા હતા.