ઝોળી ભરીને પૈસા આપ્યા, પણ દિલ્હીના સત્તાધીશો શીશમહેલ બનાવવામાં વ્યસ્તઃ મોદીનો પ્રહાર

January 05, 2025

દિલ્હી : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ વડાપ્રધાન મોદીએ રૂ. 12 હજાર કરોડથી વધુ ભેટ દિલ્હીવાસીઓને આપી છે. નમો ભારત નેટવર્કનું વિસ્તરણ અને નવી મેટ્રો લાઈનના ઉદ્યાટન સાથે ભારતને સૌથી મોટા મેટ્રો રેલ નેટવર્ક ધરાવતા દેશોની યાદીમાં ત્રીજું સ્થાન પણ અપાવ્યું છે. આ ઉદ્યાટન બાદ વડાપ્રધાન મોદી રોહિણીના જાપાની પાર્કમાં ભાજપની પરિવર્તન રેલીને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં એકબાજુ આપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, 'કેન્દ્ર સરકારે દિલ્હીને ઝોળી ભરીને પૈસા આપ્યા છે, પરંતુ દિલ્હીના સત્તાધીશો શીશમહેલ બનાવવામાં વ્યસ્ત હતાં.' બીજી બાજુ અનેક વર્તમાન સરકારની ઉપલબ્ધ સ્કીમ્સને બંધ નહીં કરવાનું વચન પણ આપ્યું છે. અરવિંદ કેજરીવાલના પક્ષ તરફથી થઈ રહેલા પ્રચારોને ખોટા ઠેરવતાં કહ્યું છે કે, ભાજપની સરકાર બની તો મફત વીજ-પાણી જેવી કોઈ વર્તમાન  સ્કીમ બંધ થશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિણી રેલીમાં વિગતવાર સમજાવ્યું કે ભાજપ કઈ રીતે દિલ્હીનો વિકાસ કરવા માંગે છે. પીએમએ ફરી એકવાર દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે કે, ઉનાળામાં પાણી માટે લડાઈ, વરસાદની ઋતુમાં પાણી ભરાઈ જવાની સમસ્યા અને શિયાળામાં પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ જેવી અનેક સમસ્યાઓથી દિલ્હીવાસીઓ પીડિત છે. આ લોકોએ દરેક સીઝનને દિલ્હી માટે આફત બનાવી છે. દિલ્હીની જનતાની ઉર્જા આખું વર્ષ આપત્તિનો સામનો કરવામાં ખર્ચાઈ રહી છે. તેથી દિલ્હીમાં આપત્તિનો અંત આવશે તો જ સુશાસનનું ડબલ એન્જિન આવશે.