દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાંથી 6 લોકોને બહાર કઢાયા

July 12, 2025

દિલ્હીના વેલકમ વિસ્તારમાં શનિવારે સવારે એક મોટી દુર્ઘટના બની. અહીં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ. આ દુર્ઘટનામાં લગભગ 12 લોકો ઇમારતમાં ફસાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરીમાં રોકાયેલા ફાયર ફાઇટરોએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 5-6 લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. શનિવારે સવારે 7 વાગ્યે ઉત્તર પૂર્વ દિલ્હીના થાણા વેલકમ વિસ્તારમાં જનતા મઝદૂર કોલોનીમાં એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. 

હાલમાં પોલીસ અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. આ વિસ્તાર ખૂબ જ ગીચ વસ્તી ધરાવતો હોવાથી અને સાંકડી શેરીઓ હોવાથી બચાવ મુશ્કેલ બની રહ્યો છે. અકસ્માત સમયે, ઇમારતમાં ઘણા લોકો હાજર હતા, જેમાંથી લગભગ 12 લોકો કાટમાળ નીચે દટાયા હતા.