કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો 60 વર્ષ જૂનો બ્રિજ પડું પડું, ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો

July 12, 2025

કચ્છ અને ઉત્તર ગુજરાતને જોડતો રાધનપુર મહેસાણા હાઈવે પર સમીના ગોચનાદ ગામ પાસેનો 1965માં બનેલો બ્રિજ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી તંત્રની ઘોર બેદરકારીના કારણે પુલ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. ત્યારે ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ એકાએક જાગેલા મહેસાણા માર્ગ-મકાન વિભાગે બ્રિજને તાકિદે બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગાંધીનગરથી આદેશ છૂટતા રાજ્યના તમામ જિલ્લામાં આવેલા નાના-મોટા બ્રિજની સ્થિતિ ચકાસવા ટીમો કામે લાગી છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ 40 જેટલા પુલો આવેલા છે, તેની ચકાસણી માટે કે તપાસ માટે સ્થાનિક માર્ગ-મકાન વિભાગ મુહુર્તની રાહ જોઈ રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર વહીવટીતંત્ર દ્વારા શુક્રવારે બેઠક બોલાવીને જિલ્લાના તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુર-મહેસાણા હાઈવે પર કચ્છ અને ઉત્તર ગુજરાતને જોડતો સમી તાલુકાના ગોચનાદ ગામ પાસે બનાસ નદી ઉપર 1965માં બનાવવામાં આવેલો ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ ટોલ વગરનો હોવાથી દરરોજ હજારો વાહન પસાર થાય છે, જ્યારે આ બ્રિજમાં પોપડા પડવા લાગ્યા છે અને તેના સળિયા પણ દેખાવવા લાગ્યા છે. ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં 20 લોકોના મોત નીપજતાં આ વર્ષો જૂનો બ્રિજ ગમેત્યારે કડકભૂસ થવાની અને મોટી જાનહાનિ સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી તંત્ર દ્વારા સત્વરે આ બ્રિજના કારણે કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. 
કચ્છ અને ઉત્તર ગુજરાતને જોડતા મહેસાણા રાધનપુર હાઈવે પરના સમીના ગોચનાદ પાસે બનાસ નદી ઉપર 1965માં બનાવેલો બ્રિજ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હોવાથી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી હતી. ત્યારે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ એકાએક જાગેલા મહેસાણા માર્ગ મકાન વિભાગે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં સમાન શુક્રવારે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને જર્જરિત બ્રિજ પર વાહનોની અવરજવર પ્રતિબંધ લાદી લેવામાં આવ્યો છે.