ભારતે ચિનાબ નદીનું પાણી રોક્યું, બગલીહાર ડેમના દરવાજા બંધ

May 04, 2025

પાકિસ્તાન તરફ વહેતા ચિનાબ નદીના પાણીમાં ભારે ઘટાડો થયો
બગલીહાર : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. બંને દેશોની સેનાઓ સામસામે છે. હવે ભારતે ચિનાબ નદી પર આવેલો ડેમ બંધ કરી દીધો છે. સિંધુ જળસંધિ તોડ્યાના લગભગ 10 દિવસની અંદર ભારત સરકારે આ પગલું ભર્યું છે. આનાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતને ચિનાબ નદીમાંથી મળતા પાણીના પુરવઠામાં મોટો ઘટાડો થઈ શકે છે.


અહેવાલ અનુસાર, ભારતે ચિનાબ નદી પર બનેલા બગલીહાર ડેમના દરવાજા બંધ કરી દીધા છે. જેના કારણે પાકિસ્તાન તરફ વહેતા ચિનાબ નદીના પાણીમાં ભારે ઘટાડો થયો છે. ચિનાબ પરનો બગલીહાર ડેમ નદીના પ્રવાહમાં વહેતા હાઇડ્રો પાવર પ્લાન્ટ તરીકે બનાવવામાં આવ્યો હતો. એટલે કે અત્યાર સુધી આ બંધમાંથી પાણીનો પ્રવાહ રોકી રહ્યો ન હતો. પાણીના પ્રવાહમાં વિક્ષેપ પાડ્યા વિના વીજળી ઉત્પન્ન થઈ રહી હતી. ચિનાબ જળસંધિ હેઠળ ઉલ્લેખિત છ નદીઓમાંથી એક છે. આ એક પશ્ચિમી નદી છે અને સંધિ મુજબ, ભારત આ નદીના પાણીનો ઉપયોગ જળવિદ્યુત ઉત્પાદન માટે કરી શકે છે.
અહેવાલો અનુસાર, પહલગામ હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. સિંધુ સંધિ તથા વિઝા રદ થયા બાદ પણ અનેક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. બંને દેશોએ એકબીજા માટે એરસ્પેસ બંધ કર્યું છે. એવામાં આજે ભારતે ત્રણ મોટા નિર્ણય લીધા છે. ત્યારે ભારત સરકારે નિર્ણય લીધો છે કે હવે પાકિસ્તાની ધ્વજ લહેરાવતા કોઈપણ વેપારી જહાજને ભારતીય બંદરોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ભારતીય જહાજોને પાકિસ્તાનના કોઈપણ બંદર પર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ આદેશ શિપિંગ મહાનિર્દેશાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.