નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો

October 15, 2026

અમેરિકામાં ભારતીય મૂળના લોકો અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને એક ભયાનક નરસંહારની સાજીશ રચવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અમેરિકી રાજ્ય ઈલિનોઈસ (Illinois) ના ઓરોરા (Aurora) વિસ્તારમાં આવેલા એક હિન્દુ પૂજાસ્થળ પર હુમલો કરવાની તૈયારી કરી રહેલા 19 વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ યુવક નવરાત્રીના પવિત્ર અવસર પર આ હુમલો અંજામ આપવાની ફિરાકમાં હતો.

અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આરોપીની ઓળખ એલેક્ઝેન્ડ્રોસ પેપોરાકિસ (Alexandros Paporakis) તરીકે થઈ છે. તપાસ દરમિયાન પોલીસને એક મેનિફેસ્ટો હાથ લાગ્યો છે, જેમાં 'શ્વેત વર્ચસ્વ' (White Supremacy) જેવી ચરમપંથી વિચારધારાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ડૉક્યુમેન્ટમાં દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હિંસા આચરવાની વાતો લખવામાં આવી હતી.

માસ શૂટિંગ (મોટા પાયે ગોળીબાર) ની આ કાવતરાભરી યોજનાનો પર્દાફાશ થયા બાદ 11 ઓક્ટોબરે આ યુવકની ધરપકડ કરવામાં આવી છે. બુધવારે કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે અને આગામી ૩૦ ઓક્ટોબરે તેને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ ખતરનાક કાવતરાનો પર્દાફાશ એક સતર્ક નાગરિકના કારણે થયો. માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસ વિભાગને એક વ્યક્તિ પાસેથી માહિતી મળી હતી કે તેને આરોપી પેપોરાકિસ તરફથી કેટલાક અત્યંત ચિંતાજનક મેસેજ મળ્યા છે. આ મેસેજ સાથે એક ડૉક્યુમેન્ટ શેર કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પાયે ગોળીબાર કરવાની પ્લૅનિંગ અને રાઇફલ, બોડી આર્મર જેવા હથિયારો સાથેની તસવીરો સામે સામે આવી હતી. ડિટેક્ટિવ્સની તપાસમાં સામે આવ્યું કે પેપોરાકિસ રવિવારે જ હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. જોકે, પોલીસની સમયસૂચકતા અને સતર્કતાને કારણે સમયસર તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.