બંગાળમાં મમતા બેનરજી અને તેમના ભત્રીજા અભિષેક બેનરજી વચ્ચે વાંધો પડ્યો

January 05, 2025

બંગાળ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમના ભત્રીજા અભિષેક બેનરજી વચ્ચે વાંધો પડ્યો હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે. એવી માહિતી સામે આવી છે કે, બંને વચ્ચેના મતભેદની અસર પાર્ટી પર પણ પડી છે અને આ મતભેદનો કોઈ અંત ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


મમતા બેનરજી બાદ પાર્ટીના બીજા નંબરના નેતા અભિષેક બેનરજી કલાકારોના બહિષ્કારના કારણે નારાજ થયા છે. વાસ્તવમાં કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ટીએમસી સરકારના વલણની ટીકા કરનારા કલાકારોનો બહિષ્કાર કરાયો છે. આ જ ક્રમમાં ટીએમસીના કાઉન્સિલરે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગાયક લગ્નજીતા ચક્રવર્તીના યોજાનારા કાર્યક્રમ રદ કર્યો હતો. જોકે અભિષેક કલાકારોના બહિષ્કારના પક્ષમાં નથી.


કાર્યક્રમ રદ થયા બાદ સીનિયર પ્રવક્તા કુણાલ ઘોષે 31 ડિસેમ્બરે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, લોકો વિરોધ કરવા માટે સ્વતંત્ર છે અને કલાકારોને રેલી કરવાની આઝાદી છે. જોકે તેમણે એમ પણ લખ્યું હતું કે, જે કલાકારોએ જાણીજોઈને બદનામી કરી, મુખ્યમંત્રી, સરકાર અને પાર્ટી પર પ્રહારો કર્યા, સરકાર પાડવાની વાત કહી, તૃણમુલ સમર્થકોનું અપમાન કર્યું અને ખોટી માહિતી ફેલાવી, તેઓએ તૃણમુલ નેતાઓ દ્વારા યોજાનાર કોઈપણ મંચ પર ન આવવા જોઈએ. તેમનો બહિષ્કાર કરવો જોઈએ. એટલું જ નહીં, ઘોષે વધુમાં કહ્યું કે, જો કોઈ તૃણમૂલ નેતા સંમત ન હોય તો તેઓએ પાર્ટીના નેતૃત્વની સલાહ લેવી જોઈએ. પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોની ભાવનાઓનું સન્માન કરે. ઘોષની વાતથી સ્પષ્ટ થાય છે કે, તેમણે તેવા નેતાઓને રસ્તો દેખાડી દીધો છે, જેઓ બહિષ્કારનો વિરોધ કરી રહ્યા છે.