નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત 90 મીટરથી દૂર ફેંક્યો ભાલો, દોહા ડાયમંડ લીગમાં આવ્યો બીજા ક્રમે

May 17, 2025

કતરની રાજધાની દોહામાં દોહા ડાયમન્ડ લીગ રમાઈ રહી છે, જેમાં ભારતના સ્ટાર ‘જૈવલિન થ્રોઅર’ નીરજ ચોપરાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો છે. નીરજ આવું કરનાર પ્રથમ ભારતીય જેવલિન થ્રોઅર બની ગયો છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે આ વર્ષે પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લઈ દોહા ડાયમંડ લીગ મીટમાં 90.23 મીટરના શાનદાર થ્રો કરી આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જોકે લીગમાં જૂલિયન વેબરે 91.09 મીટર દૂર ભાલો ફેંકતા નીરજ ચોપડા બીજા ક્રમે આવી ગયો છે.
નીરજ ચોપડા જેવલિન થ્રોઅરમાં 90 મીટર પાર કરનાર ભારતનો પ્રથમ ખેલાડી, વિશ્વનો 25મો અને એશિયાનો ત્રીજો ખેલાડી બની ગયો છે. પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ (92.97) અને ચાઇનીઝ તાઇપેઈના ચાઓ-સુન ચેંગ (91.36) એ એકમાત્ર અન્ય એથ્લેટ છે, જેમણે 90 મીટરથી વધુ ભાલો ફેંકનાર ખેલાડી બન્યા છે. જુલિયન વેબરે 91.06 મીટર ભાલા ફેંક્યો છે. તેણે પોતાના અંતિમ થ્રોમાં નીરજ ચોપરાને પાછળ છોડી દીધો છે. જુલિયન વેબર માટે પણ આ કારકિર્દીનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન છે.