મસ્કની પ્રશંસા કરી જ્યોર્જીયા મેલોનીએ કહ્યું, અમારા મૈત્રી સંબંધો છે

January 05, 2025

મેલોની ટ્રમ્પ અને યુરોપના સંબંધો ગાઢ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ વિશ્લેષકો માને છે
રોમ : ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીએ એલન મસ્કની ભરપૂર પ્રશંસા કરી છે તેઓએ મસ્કને એક જીનીયસ કહેવા સાથે કહ્યું હતું કે ટ્રમ્પને તેઓએ સાથ આપ્યો છે તેથી તેમની છબી મોન્સ્ટર સમાન બનાવી દેવાઈ છે.
આ સાથે તેઓએ મસ્ક સાથેની તેઓની મૈત્રીનો પણ ઉલ્લેખ કર્યો હતો, અને કહ્યું હતું કે એ અબજોપતિ ટેક એન્ટ્રેપ્રેન્યોરનાં તેઓ પ્રશંસક છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનાં શાસનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે તેમ છે. તે ભૂમિકા તેઓ ભજવશે જ.

એક ઇન્ટરવ્યુમાં મેલોનીએ કહ્યું હતું કે અમારા બંને વચ્ચે બહુ સારા સંબંધો પણ છે. મસ્ક એક ગિફ્ટેડ વ્યક્તિ છે. તેઓને મળવું ઘણું રોમાંચક છે. તેઓ આપણા યુગની એક મહાન વ્યક્તિ છે. ઇનોવેટર છે, તેઓએ તેમની નજર ભવિષ્ય પર રાખી છે.

ઇટાલીનાં વડાપ્રધાને તેમ પણ કહ્યું કે મને તે જાણી હાસ્ય આવે છે કે જેઓ ગઇકાલ સુધી તેઓની તારીફ કરતા હતા તેઓ જ આજે તેઓને મોન્સ્ટર (રાક્ષસ) કહી રહ્યા છે. તેનું કારણ તે છે કે તેમ કહેનારાઓએ ખોટો રાજકીય માર્ગ લીધો છે. મેલોનીએ જે ટીપ્પણી કરી છે તેથી તે સાંભળતાઓ જાગે છે કે તેઓ ટ્રમ્પ સરકાર અને યુરોપને નજીક લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકશે. બે વર્ષ પૂર્વે દેશનાં વડાપ્રધાન થયાં તે પછી તેઓ ઝડપભેર રાજનેતા તરીકે આગળ આવ્યાં છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયાની વિરૂદ્ધ યુક્રેનને કટ્ટર સમર્થન આપવા માટે પશ્ચિમના નેતાઓએ તેઓની ખુલ્લાં મને પ્રશંસા કરી હતી. તે ઉપરાંત તેઓએ ટ્રમ્પ અને હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓરવાન જેવા જમણેરીઓ અને જમણેરી સંપ્રભુતાવાદીઓ (પ્રભુત્વ ઇચ્છતા નેતાઓ પ્રમુખો કે વડાપ્રધાનો) સાથે પણ સરસ સંબંધો રાખ્યા છે. તે સર્વવિદિત છે કે ટ્રમ્પ અને મસ્ક બંને કટ્ટર જમણેરીઓ છે.