યુપી સંભલમાં જામા મસ્જિદનો સરવે કરવા પહોંચેલી ટીમ પર પથ્થરમારો, 3ના મોત

November 24, 2024

સંભલ : ઉત્તરપ્રદેશના સંભલની જામા મસ્જિદમાં સરવેથી નારાજ લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી દેતાં ફરી એકવાર મોટી બબાલ થઇ હતી. ભીડને વેર વિખેર કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસનો મારો ચલાવાયો હતો. કોર્ટના આદેશ બાદ આજે જ્યારે ટીમ બીજી વખત સરવે કરવા માટે પહોંચી ત્યારે ટોળાએ રોષે ભરાઈને પોલીસ પર હુમલો કર્યો હતો. તો પોલીસ દ્વારા 10 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. આ દરમિયાન ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસ અને એસપી હેલ્મેટ પહેરેલા જોવા મળી રહ્યા છે અને બીજી બાજુથી પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. 


ઉત્તરપ્રદેશના સંભલમા જામા મસ્જિદમાં સરવે દરમિયાન થયેલા હોબાળામાં બે લોકોના મોત થયા છે. જિલ્લાના એસપીએ તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, આ ઘટનામાં 3 લોકોના જીવ ગયા છે. જ્યારે સપા અને બસપાએ યોગી સરકાર પર આરોપ લગાવ્યા છે. તો બીજી તરફ ભાજપે વિપક્ષને ઘેર્યું છે. જણાવી દઈએ કે, સ્થાનિક કોર્ટમાં એક અરજી દાખલ કરીને દાવો કરાયો છે કે જે જગ્યાએ જામા મસ્જિદ છે ત્યાં પહેલા હરિહર મંદિર હતું.


સરવે કરવા આવેલી ટીમ સવારે 7.30 વાગ્યે જામા મસ્જિદમાં પ્રવેશી હતી. લગભગ એક કલાક સુધી પરિસ્થિતિ સામાન્ય હતી જ્યારે અચાનક ટોળું આવી પહોંચ્યું અને પોલીસ સાથે બોલાચાલી થઈ. એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈ અને ડીએમ ડૉ. રાજેન્દ્ર પેન્સિયાએ ચાર્જ સંભાળ્યો અને ગુસ્સે થયેલા ટોળાને વેર વિખેર કરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. 
જ્યારે ડીએમ અને એસપી ગુસ્સે ભરાયેલા ભીડને શાંત કરવા પહોંચ્યા તો ગુસ્સે ભરાયેલા ટોળાએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. જામા મસ્જિદની આસપાસના વિસ્તારમાં એકઠા થયેલા ભીડને વિખેરવા માટે જામા મસ્જિદના સદરે મસ્જિદની અંદરથી જાહેરાત કરી હતી પરંતુ ભીડ વિખેરાઈ ન હતી અને થોડીવાર પછી પથ્થરમારો શરૂ થયો હતો.