ભંગારના વેપારીની જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ

May 23, 2025

દિલ્હી - ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ દેશમાંથી એક પછી એક અનેક પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં ઉત્તર પ્રદેશની એટીએસ ટીમે પાકિસ્તાન માટે જાસૂસ કરતા વધુ એક યુવકની દિલ્હીથી ધરપકડ કરી છે. યુપી એટીએસની ટીમે દિલ્હીના સલીમપુર વિસ્તારમાંથી હારૂન નામના વ્યક્તિને પકડ્યો છે. હારુન પાકિસ્તાની હાઈ કમિશનના કર્મચારીના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો છે. જાસૂસીનું નેટવર્ક હરિયાણા-પંજાબ બાદ હવે ઉત્તર પ્રદેશ-દિલ્હી સુધી પહોંચી ગયું હોય, તેમ અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 


દિલ્હી ઝડપાયેલો હારૂન પાકિસ્તાની દૂતાવાસમાં કામ કરતા મુજમ્મિલ હુસૈનના સંપર્કમાં હોવાની લિંક સામે આવ્યા બાદ યુપીએ એટીએસએ તેની ધરપકડ કરી છે. હારૂન ભંગારનું કામ કરતો હોવાનો, તેને બે પત્ની હોવાનો અને તેણે પાકિસ્તાનમાં રહેતી તેની કાકીની પુત્રી સાથે બીજા લગ્ન કરેલા હોવાનો ખુલાસો થયો છે. તેના પરિવારે કહ્યું કે, હારુન ઘણી વખત પાકિસ્તાન જતો હતો, તે છેલ્લે પાંચમી એપ્રિલે પાકિસ્તાન ગયો હતો અને 20 દિવસ બાદ એટલે કે 25 એપ્રિલે પરત આવ્યો છો, ત્યારે સવાલ એ થાય છે કે, તેનો પાકિસ્તાની હાઈકમિશનના કર્મચારીઓ સાથે સંપર્ક કેવી રીતે થયો, શું તેની પાસેથી જાસૂસીનું કામ કરાવાતું હતું? હારૂનની લિંક પાકિસ્તાન હાઈકમિશનમાં કામ કરાત દાનિશ સાથે પણ જોડાયા હોવાનું સામે આવ્યું છે.