ધાર્યા પ્રમાણે પરિણામો આવ્યા નથી, કારણોનો અભ્યાસ કરીને લોકો પાસે જઈશું- શરદ પવાર

November 24, 2024

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીની શરનજનક હાર થઈ છે, જ્યારે સત્તાધારી મહાયુતિએ 236 બેઠકો જીતી લીધી છે. ચૂંટણીમાં એમવીએના સાથી શરદ પવારની પાર્ટી NCPSPએ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. બીજીતરફ પાર્ટીના પ્રમુખ શરદ પવારની ઉંમરને ધ્યાને રાખી એવી અટકળો વહેતી થઈ હતી કે, મહારાષ્ટ્રના પરિણામો સામે આવ્યા બાદ પવાર રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેશે. જોકે હવે આ મુદ્દે તેમણે પોતે જવાબ આપ્યો છે.
મહારાષ્ટ્રના કરાડમાં શરદ પવારે કહ્યું કે, ‘મારે નિવૃત્ત થવું જોઈએ કે નહીં, તે હું અને મારા સાથી મિત્રો નક્કી કરશે. બહારના લોકો કેમ બોલી રહ્યા છે?’ તેમણે એમ પણ કહ્યું કે, મહિલાઓને લાડલી બહન યોજના હેઠળ કેટલીક રકમ આપવામાં આવી છે. અમે અભિયાન ચલાવ્યું કે, જો અમે સત્તામાં ન રહીએ તો આ પૈસા બંધ થઈ જશે, કદાચ આ જ કારણે મહિલાઓએ મહાયુતિને મત આપ્યા છે. NCPSPના પ્રમુખે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે પ્રતિક્રિયા આપી છે કે, ધાર્યા પ્રમાણે પરિણામો આવ્યા નથી. અમે કારણોનો અભ્યાસ કરીને લોકો પાસે જઈશું.