શિંદેને મનાવવા પુત્રને ડેપ્યુટી CM બનાવશે ભાજપ? કેન્દ્રમાં પણ મળી શકે છે મોટું પદ

November 26, 2024

મહારાષ્ટ્રમાં મહાયુતિની શાનદાર જીત બાદ હવે બીજેપી નેતૃત્વને નવા મુખ્યમંત્રીને પસંદ કરવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જયારે શિવસેના એકનાથ શિંદેને ફરી મુખ્યમંત્રી બનાવવા માટે દબાણ કરી રહી છે. જયારે એનસીપીએ આ પદ માટે દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપી રહી છે.આગામી એક-બે દિવસમાં તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરીને ભાજપની નેતાગીરી મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય લે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લી વિધાનસભામાં શિવસેનાના ભાગ પડ્યા બાદ ભાજપે ગઠબંધન સરકાર બનાવી ત્યારે સંજોગોને ધ્યાનમાં લેતા એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા પડ્યા. સરકારની સ્થિરતા માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનવા માટે મનાવવામાં આવ્યા હતા. બાદમાં જ્યારે અજિત પવાર એનસીપી તોડીને સરકારમાં જોડાયા ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે દિલ્હીમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રીના લગ્નમાં મહારાષ્ટ્રના અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી. તેમણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક કરી હતી. જેમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચા થઈ હતી. ભાજપમાં એક ફોર્મ્યુલા ચર્ચાઈ રહી છે કે શિંદેને કેન્દ્રમાં લાવવામાં આવે અને તેમના પુત્રને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે. એવી પણ ચર્ચા છે કે શિંદેને હાલ પૂરતું હટાવવામાં નહીં આવે અને પછી ફેરફારો કરવામાં આવશે.