રશિયાના હથિયારોમાં અમેરિકાની ટેક્નોલોજી? 3 સંસ્થાના સંયુક્ત રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

July 05, 2025

રશિયા અને યૂક્રેન વચ્ચે ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેથી અમેરિકા સહિતના ઘણા પશ્ચિમી દેશો રશિયા પર ઘણા પ્રતિબંધ મૂકી રહ્યા છે. તેમ છતાં 3 સંસ્થાના સંયુક્ત રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હ્યુમન રાઇટ્સ (IPHR), ઇન્ડિપેન્ડન્ટ એન્ટી-કરપ્શન કમિશન (NAKO) અને મીડિયા સંગઠન હન્ટરબ્રુક દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આજે પણ અમેરિકન કંપનીઓ દ્વારા બનાવેલા ભાગોનો ઉપયોગ રશિયન ફાઇટર જેટ અને શસ્ત્રોમાં થઈ રહ્યો છે. તે પણ એવા માર્ગો દ્વારા કે જેના પર કોઈને ધ્યાન પણ નથી. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેવી રીતે આ ભાગો ત્રીજા દેશ મારફતે રશિયા સુધી પહોંચી રહ્યા છે. તેમજ એવા પણ પ્રશ્ન થઈ રહ્યા છે કે આ છુપાયેલા સપ્લાય રૂટના ખેલાડીઓ કોણ છે? યુક્રેન પરના હુમલા પછી રશિયાની યુદ્ધ ક્ષમતાને નબળી પાડવા માટે અમેરિકા તેમજ અન્ય દેશ દ્વારા રશિયા પર અનેક વેપાર અને તકનીકી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પરંતુ આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા 'મધ્યવર્તી વેપાર માર્ગો' એટલે કે ત્રીજા દેશો દ્વારા અમેરિકન ટેકનોલોજી મેળવી રહ્યું છે. રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ અમેરિકન કંપનીઓ દ્વારા ઇરાદાપૂર્વક કોઈ ગેરકાયદેસર કાર્ય કરવામાં આવ્યું નથી. આ ભાગો ઘણા હાથ અને દેશોમાંથી પસાર થઈને રશિયા સુધી પહોંચે છે, જેના કારણે કંપનીઓ પોતે જાણતી નથી કે તેમનો માલ ક્યાં જઈ રહ્યો છે. આજે ગ્લોબલ સપ્લાય ચેન એટલી જટિલ અને ફેલાયેલી છે કે નાના ચિપ અથવા સર્કિટનો ઉપયોગ ક્યાં અને કોના હથિયારમાં થશે તે શોધવું લગભગ અશક્ય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ ઘણા નાના એશિયન અને મધ્ય એશિયાઈ દેશોમાં આ ભાગો ખરીદવા માટે એક નેટવર્ક બનાવ્યું છે. જે યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન નથી કરતું પણ તેનો હેતુ સિદ્ધ થઈ જાય છે,