અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીએ બે દિવસ બાદ ન્યાયની માગ કરી

January 05, 2025

અમરેલી : અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર દીકરી પાયલ ગોટીને 3 જાન્યુઆરીના રોજ જામીન મળ્યા બાદ જેલમુક્ત કરાઈ હતી. જેલ બહાર આવતાની સાથે જ પાયલે 'સત્યમેવ જયતે' કહ્યું હતું. જેલમુક્ત થયા બાદ આજે રવિવારે સૌપ્રથમ વખત પાયલ ગોટીએ તેમના વતન વીઠલપુરના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પાયલે લેટરકાંડ મામલે FSL તપાસ કરવાની માગ કરી અને પોલીસ પર આક્ષેપ કર્યા હતા.
અમરેલીમાં લેટરકાંડ કેસમાં જેલમુક્ત થયા બાદ સૌપ્રથમ વખત પાટીદાર દીકરી પાયલ ગોટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'કૌશિક વેકરિયા, સીએમને કહેવા માગુ છું કે સમાજની દીકરીની આવી રીતે ઈજ્જત ન ઉછાળાય, હું ન્યાય ઈચ્છુ છું. લેટરકાંડમાં પત્રની FSL તપાસ કરવામાં આવે. મે કોઈ ગુનો નથી કર્યો, પરંતુ પોલીસે મને માર માર્યો હતો અને જાહેરમાં મારુ અપમાન થયું છે.' જેલવાસ દરમિયાન પાયલના પરિવાર સાથે અડીખમ ઉભા રહેનારા તમામ સમાજના આગેવાનો અને લોકોનો તેમણે આભાર માન્યો હતો. આ સાથે પાયલે કૌશિક વેકરિયાને ત્રણ પાનાનો પત્ર લખીને ન્યાયની માગ કરી હતી. આ ઉપરાંત પાયલે રાજકારણ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું જણાવ્યું હતું.