બિહારમાં મહાગઠબંધને કર્યાં ચક્કાજામ, ટ્રેનો અટકાવી માર્ગો પર ટાયર બાળ્યાં

July 09, 2025

Bihar Election and Protest news : આજે મહાગઠબંધને બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ સામે રાજ્યવ્યાપી ચક્કા જામની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ, ડાબેરી પક્ષો, VIP પાર્ટી અને જન અધિકાર પાર્ટી (પપ્પુ યાદવ) સહિત મહાગઠબંધનના તમામ ઘટક પક્ષો માર્ગો પર ઊતરી આવ્યા હતા. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે પટના પહોંચશે અને તેજસ્વી યાદવ સાથે ઈન્કમટેક્સ ગોલંબરથી ચૂંટણી કાર્યાલય સુધી કૂચ કરશે. જોકે સવારથી જ બિહારમાં આ દેખાવોની અસર દેખાવા લાગી છે.  પટણાના મનેર વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે 30 પર મહાગઠબંધનના કાર્યકરોએ બિહાર બંધના સમર્થનમાં ટાયરો બાળ્યા હતા અને ચક્કાજામ કરી દેતા વાહનચાલકો અટવાયા હતા. 

આ દરમિયાન તેમણે ચૂંટણી પંચ અને ભારત સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. ચક્કાજામ દરમિયાન રાજદના કાર્યકરોએ ગાંધી સેતુ પુલ બંધ કરી દીધો હતો. આ પુલ પટણાથી હાજીપુર, દરભંગા અને પૂર્ણિયા જેવા શહેરો સુધી પહોંચવા માટે મહત્ત્વપૂર્ણ મનાય છે.   બીજી બાજુ બિહાર બંધના સમર્થનમાં જહાનાબાદના કોર્ટ સ્ટેશન પર દેખાવકારોએ પટણા-ગયા વચ્ચે દોડતી ટ્રેન અટકાવી દીધી હતી.