નવસારીથી PM મોદી LIVE: ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરી કહ્યું-'ભાજપનો નાનો કાર્યકર્તા પણ સત્તાના નશામાં ચકચૂર નથી થયો'

September 08, 2026

નવસારી : નવસારી ખાતે દેશના પ્રથમ AI સુવિધાસજ્જ ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડોદરાથી નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ પાસે આવી પહોંચેલા વડાપ્રધાન મોદીનું પરંપરાગત શૈલીમાં ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં 1100 મહિલાઓએ શિર પર કળશ ધારણ કર્યા હતા, જ્યારે 500 પુરુષોના ડમરુ નાદ અને ઢોલ-ત્રાંસાના ધમસાણથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે 5000થી વધુ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 

વડાપ્રધાને નવનિર્મિત સંકુલનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કાર્યાલયના મીડિયા અને ડિજિટલ કોલ સેન્ટર, આધુનિક પુસ્તકાલય તેમજ જનપ્રતિનિધિઓ માટેની ખાસ કેબિનોની કાર્યપ્રણાલી નિહાળી હતી. આ ઉપરાંત, પરિસરમાં આવેલા પંડિત દીનદયાળ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને અટલ સભાખંડની પણ મુલાકાત લીધી હતી. ગ્રામીણ જનતા પણ આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની શકે તે માટે જિલ્લાના 389 ગામોમાં 4000થી વધુ ડિજિટલ સ્ક્રીન ગોઠવવામાં આવી છે, જેના દ્વારા 1.15 લાખથી વધુ લોકોએ ઘેરબેઠા આ કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું.