માલદીવના રાષ્ટ્ર પ્રમુખે 15 કલાક પ્રેસ કોન્ફરન્સ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

May 04, 2025

માલદીવ : માલદીવના રાષ્ટ્ર પ્રમુખ મોહમ્મદ મુઇજ્જુએ સતત 15 કલાક સુધી પ્રેસ કોન્ફરન્સ કરીને એક અનોખો રેકોર્ડ બનાવવાનો દાવો કર્યો છે. માલદીવના રાષ્ટ્ર પ્રમુખે રવિવારે આશરે 15 કલાક સુધી પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. તેમના કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રાષ્ટ્ર પ્રમુખ મુઇજ્જુએ યુક્રેન નેતા વોલોડિમિર ઝેલેન્સ્કી દ્વારા બનાવવામાં આવેલા છેલ્લાં રેકોર્ડને તોડી દીધો છે. 46 વર્ષના રાષ્ટ્ર પ્રમુખ મુઇજ્જુએ શનિવારે સવારે 10 વાગ્યા (સ્થાનિક સમય) થી મેરાથન પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી હતી. જોકે, તેમણે આ દરમિયાન નમાઝ પઢવા માટેનો સમય લીધો હતો. તેમણે કુલ 14 કલાક અને 54 મિનિટ સુધી સતત પ્રેસ કોન્ફરન્સ કરી છે. 
રાષ્ટ્ર પ્રમુખ કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'પ્રેસ કોન્ફરન્સ અડધી રાત પછી પણ શરૂ રહી અને આ કોઈપણ દેશના રાષ્ટ્ર પ્રમુખ દ્વારા બનાવવામાં આવેલો નવો રેકોર્ડ છે. આ દરમિયાન તેઓ સતત પત્રકારોના સવાલોનો જવાબ આપી રહ્યા હતાં.'
આ પહેલાં ઓક્ટોબર 2019માં યુક્રેનના રાષ્ટ્રીય રેકોર્ડ એજન્સીએ દાવો કર્યો હતો કે, ઝેલેન્સ્કીએ 14 કલાકની પ્રેસ કોન્ફરન્સે બેલારૂસી રાષ્ટ્ર પ્રમુખ અલેક્ઝેન્ડર લુકાશેંકો દ્વારા બનાવવામાં આવેલાં સાત કલાકથી વધુના પ્રેસ કોન્ફર્નસનો રેકોર્ડ તોડી દીધો છે. 
રાષ્ટ્ર પ્રમુખના કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, 'મુઇજ્જુએ સમાજમાં પ્રેસની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો સ્વીકાર કર્યો અને તથ્યાત્મક, સંતુલિત અને નિષ્પક્ષ રિપોર્ટિંગના મહત્ત્વ પર ભાર મૂકયો છે.' લાંબા સત્ર દરમિયાન, મુઇજ્જુએ પત્રકારોના માધ્યમથી જનતા દ્વારા પ્રસ્તુત તમામ પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતાં.