'નેતાન્યાહૂ અડિયલ છે, તેમણે મારો આભાર માનવો જોઈએ', ઈરાન સાથે શાંતિ કરાર બાદ ટ્રમ્પનું નિવેદન

June 15, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે અંત તરફ આગળ વધી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ અંગે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે બંને દેશો આગામી 19 જૂનના રોજ સ્વિટ્ઝરલેન્ડના જિનેવા ખાતે એક ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરશે. જોકે, આ ડીલની જાહેરાત કરવાની સાથે જ ટ્રમ્પે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે નેતન્યાહૂને અત્યંત અડિયલ વલણ ધરાવતા નેતા ગણાવ્યા છે અને કહ્યું છે કે અમેરિકા તરફથી ઈઝરાયલને જે પણ મદદ મળી રહી છે તેના માટે તેમણે આભારી રહેવું જોઈએ.

ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ પ્રત્યે પોતાનો ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ટ્રમ્પે દાવો કર્યો હતો કે જ્યારે અમેરિકા અને ઈરાન શાંતિ સમજૂતીની ખૂબ નજીક હતા, ત્યારે જ ઈઝરાયલે લેબેનોનની રાજધાની બેરૂત પર એરસ્ટ્રાઈક કરી દીધી હતી, જેના લીધે આ આખી ડીલ 'લગભગ પાટા પરથી ઉતરી' ગઈ હતી. 

નેતન્યાહૂના અડિયલ વલણ પર નારાજગી વ્યક્ત કરતા ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'તેઓ અડિયલ માણસ છે, પણ વાસ્તવિકતા એ છે કે અમેરિકા જે કંઈ કરી રહ્યું છે તેના માટે નેતન્યાહૂએ અમારા ખૂબ આભારી રહેવું જોઈએ. તેમણે ચેતવણી આપતા એમ પણ કહ્યું કે, જો ઈરાન પરમાણુ હથિયાર બનાવી લેશે તો ઈઝરાયલ તેની સામે બે કલાક પણ ટકી શકશે નહીં. ટ્રમ્પના મતે, અમેરિકા અત્યારે જે શાંતિ સમજૂતી કરી રહ્યું છે તે આખરે ઈઝરાયલના જ હિતમાં છે.