ગુજરાતના માથે 'શક્તિ' વાવાઝોડાનું સંકટ: રાજ્યના 2 બંદર પર 3 નંબરનું સિગ્નલ

October 04, 2025

શિયાળાની શરૂઆત પહેલાં સિઝનનું પહેલું વાવાઝોડું 'શક્તિ' ઝડપથી મહારાષ્ટ્રની તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને ગુજરાત સહિતના જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. 'શક્તિ' વાવાઝોડું હાલમાં ગુજરાતના દ્વારકાથી 510 કિલોમીટરના અંતરે છે.  તે હજુ પણ છેલ્લા 6 કલાકથી 13 કિ.મી. પ્રતિકલાકની ઝડપે જ આગળ વધી રહ્યું છે. જો કે, આ પહેલાં આ વાવાઝોડું મુંબઈ, રાયગઢ, ઢાણેસ સિંધુદુર્ગ, રત્નાગિરી અને પાલઘરમાં ભયાનક તબાહી મચાવી શકે છે. હાલ, વાવાઝોડાના કારણે પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ શરૂ કરવામાં આવ્યું છે. 

જાફરાબાદના દરિયાકાંઠે 'શક્તિ' નામના સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર સક્રિય બન્યું છે. હવામાન વિભાગ દ્વારા જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.આગાહીના પગલે જાફરાબાદના દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાઈ વાતાવરણમાં આવેલા આ ફેરફારને કારણે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા છે.