ઈરાને કતારમાં હુમલો કરી અમેરિકાની વાયુ સેનાનુ કોમ્યુનિકેશન સેન્ટર નષ્ટ કર્યું

July 11, 2025

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ગત મહિને સર્જાયેલા ભીષણ યુદ્ધમાં થયેલા નુકસાનનો ખુલાસો ધીમે ધીમે થઈ રહ્યો છે. ઈરાને આજે એક વીડિયો રજૂ કરી દાવો કર્યો હતો કે, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ગતમહિને થયેલા યુદ્ધમાં કતારમાં સ્થિત યુએસ કોમ્યુનિકેશન ફેસિલિટીને નષ્ટ થઈ હતી.


ભારતમાં ઈરાનની એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો રજૂ કરી જણાવ્યું હતું કે, સેટેલાઈટ ઈમેજ દર્શાવે છે કે, ઈરાને ગતમહિને થયેલા યુદ્ધમાં કતારમાં સ્થિત અમેરિકાની સેનાના પ્રાઈમરી કોમ્યુનિકેશન્સ રેડોમને નષ્ટ કર્યું હતું. તેનું બીજુ રેડોમ કુવૈત આવેલું છે. ઉલ્લેખનીય છે, ઈરાનના દાવા પર કતાર કે અમેરિકાએ કોઈ નિવેદન આપ્યું નથી. અમેરિકાએ ગતમહિને બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કરી ઈરાનના ત્રણ પરમાણુ મથકોને ટાર્ગેટ બનાવ્યા હતાં. જેના જવાબમાં ઈરાને કતાર સ્થિત અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો.


ઈરાન ઈન્ટરનેશનલ અનુસાર, ખાનગી સેટેલાઈટ કંપની સેટેલોજિક દ્વારા 24 જૂનના રોજ રજૂ કરવામાં આવેલી તસવીરોમાં રેડોમને નુકસાન થયુ હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. અલ ઉદૈદ એરબેઝમાં સ્થિત આ રેડોમ એડવાન્સ્ડ જિયોડેસિક સ્ટ્રક્ચરમાં સ્થાપિત સંવેદનશીલ કોમ્યુનિકેશન્સ ઈક્વિપમેન્ટ છે.  જે મધ્ય-પૂર્વમાં અમેરિકન સૈન્યની સૌથી મોટી સુવિધા છે. જેનો ઉપયોગ યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના હેડક્વાર્ટરને ગુપ્ત અને સુરક્ષિત સંદેશાઓ પહોંચાડવા માટે થાય છે.