અદાણીએ CNGના ભાવમાં 4 રૂપિયાનો વધારો કર્યો, ભાવ 94 રૂપિયા પર; 2026માં 8મી વખત ભાવવધારો

August 01, 2026

અમદાવાદઃ અદાણીએ 2026માં આઠમી વખત CNGના ભાવમાં વધારો કરતાં અમદાવાદમાં પ્રતિ કિલો CNGનો ભાવ 94.02 રૂપિયા પર પહોંચ્યો હતો. એકસાથે 4 રૂપિયાનો વધારો થતાં રોજિંદા મુસાફરી કરતા વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોના ખર્ચમાં વધારો થયો હતો. સતત વધી રહેલા ઇંધણના ભાવને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગ પર વધુ આર્થિક બોજ પડ્યો હતો. ભાવવધારાથી નારાજ રિક્ષાચાલકોએ ભાડું વધારવાની માંગ કરી હતી અને માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હડતાળ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ પહેલાં 19 જુલાઈ, 2026ના રોજ અદાણીએ વર્ષમાં સાતમી વખત CNGના ભાવમાં વધારો કર્યો હતો, જેના પછી અમદાવાદમાં CNGનો ભાવ 90.02 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. તે પહેલાં 27 મેના રોજ પણ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી અદાણી દ્વારા CNGના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. 2023 દરમિયાન અનેક વખત ભાવ વધારાયા હતા, જ્યારે 2024માં છેલ્લે 3 ડિસેમ્બરે ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

2025ની શરૂઆતમાં જાન્યુઆરીમાં CNGના ભાવમાં 1.50 રૂપિયાનો વધારો થતાં અમદાવાદમાં ભાવ 80.48 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. ત્યારબાદ 2 ઓગસ્ટ, 2025ના રોજ વધુ 1 રૂપિયાનો વધારો થતાં ભાવ 82.38 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો હતો. જોકે, 2026ની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ અદાણીએ 1.21 રૂપિયાનો ઘટાડો કરતાં ભાવ 81.17 રૂપિયા થયો હતો, પરંતુ ત્યારબાદ 23 જાન્યુઆરીએ 60 પૈસા, 7 ફેબ્રુઆરીએ 50 પૈસા, 2 એપ્રિલે 1.50 રૂપિયા, 16 મેના રોજ 2.25 રૂપિયા, 27 મેના રોજ 2 રૂપિયા, 19 જુલાઈએ 2 રૂપિયા અને હવે વધુ 4 રૂપિયાનો વધારો કરવામાં આવતાં અમદાવાદમાં CNGનો ભાવ 94.02 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો હતો.