‘BJP-RSS ઈચ્છે છે કે, ગરીબો સપનાં ન જુએ, અબજપતિઓ હિન્દુસ્તાનને ચલાવશે’, રાહુલ ગાંધીના પ્રહાર

January 27, 2025

કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશના મહૂ માં યોજાયેલી ‘જય બાપુ, જય ભીમ, જય સંવિધાન’ રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘જે દિવસે આપણું બંધારણ બદલાઈ જશે, તે દિવસથી દેશમાં દલિતો, પછાત લોકો અને આદિવાસીઓ માટે કંઈપણ નહીં બચે. BJP-RSS દેશમાં આઝાદી પહેલા જેવી સ્થિતિ ઊભી કરવા માંગે છે, જેમાં ગરીબો પાસે અધિકાર હોતા નથી, માત્ર અમીરો પાસે હોય છે. દલિતો, પછાત લોકો, આદિવાસીઓ અને ગરીબોને ફરી એકવાર ગુલામ બનાવવામાં આવી રહ્યા છે.

તેમણે સમર્થકોને સંબોધન કરતા કહ્યું કે, ‘ભારતમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. એકતરફ કોંગ્રેસ છે, જે બંધારણને માને છે અને તે માટે લડી રહી છે, જ્યારે બીજીતરફ ભાજપ છે, જેઓ બંધારણના વિરુદ્ધમાં છે, તેઓ તેને નબળું પાડવા તેમજ ખતમ કરાવ માંગે છે. બંધારણ માત્ર એક પુસ્તક નથી. તેમાં ભારતના હજારો વર્ષ જૂના વિચારો છે. તેમાં આંબેડકરજી, મહાત્મા ગાંધીજી, ભગવાન બુદ્ધ, ફુલેજી જેવા મહાપુરુષોનો અવાજ છે.’

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘ભાજપે લોકસભા પહેલા પણ બંધારણ ખતમ કરવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, જો 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખીશું. પરંતુ તેમની વિરુદ્ધ કોંગ્રેસ, INDIA ગઠબંધનના નેતાઓ અને કાર્યકર્તાઓ ઊભા છે. પરિણામ એવું આવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ લોકસભામાં બંધારણ પાસે માથું ટેકાવવું પડ્યું.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘યાદ રાખજો... જે દિવસે બંધારણ ખતમ થઈ જશે, તે દિવસથી દેશમાં ગરીબો માટે કંઈપણ નહીં બચે. આઝાદી પહેલા ગરીબો, દલિતો, પછાત લોકો, આદિવાસીઓ પાસે કોઈપણ અધિકાર ન હતા. માત્ર રાજા-મહારાજાઓ પાસે અધિકાર હતા. આઝાદી બાદ બંધારણ સ્થપાયા બાદ તમામને અધિકાર મળ્યા છે.’