ભાજપ દિલ્હીના નવા CMના નામની જાહેરાત આવતીકાલે કરશે

February 16, 2025

દિલ્હી- દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આઠમી ફેબ્રુઆરીએ જાહેર થયા હતા, જેમાં આમ આદમી પાર્ટીએ સત્તા ગુમાવી છે અને ભાજપની બહુમતી સાથે જીત મેળવી છે. જોકે પરિણામને આઠ દિવસ વિતવા છતાં ભાજપે હજુ સુધી મુખ્યમંત્રી નામ પર મહોર મારી નથી, ત્યારે મીડિયા રિપોર્ટ મુજબ ભાજપ આવતીકાલે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દિલ્હીવાસીઓની આતુરતાનો અંત લાવી શકે છે. દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવા માટે આવતીકાલે બપોરે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ગૃહના નેતા માટે ચૂંટણી યોજાશે તેમજ દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીમાં 19 અથવા 20 ફેબ્રુઆરીએ શપથગ્રહણ યોજાઈ શકે છે. જોકે તે પહેલા આવતીકાલે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે. અહેવાલો મુજબ ભાજપે 48માંથી 15 ધારાસભ્યોના નામ પસંદ કર્યા છે અને તેમાંથી 9 નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. આ 9 નામમાંથી જ મુખ્યમંત્રી, મંત્રી અને સ્પીકરનું નામ નક્કી કરવામાં આવશે.


દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે ભવ્ય જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રી પદ માટે અનેક નામો ચર્ચામાં છે, જેમાં રેખા ગુપ્તા, પરવેશ વર્મા, મોહન સિંહ બિષ્ટ, વિજેન્દ્ર ગુપ્તા, સતીષ ઉપાધ્યાય, આશીષ સૂદ, શિખા રાય અને પવન શર્માનું નામ સામેલ છે, જોકે આ નામો માત્ર અટકળો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાજસ્થાન અને મધ્યપ્રદેશની જેમ દિલ્હીમાં પણ કોઈ સરપ્રાઈઝ નામ જાહેર કરી શકે છે.