ઉત્તરાખંડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો, 11માંથી 10 મેયરની બેઠકો જીતી

January 26, 2025

બુંદેલ : ભાજપે ઉત્તરાખંડ નગરપાલિકાની ચૂંટણી મેયરની 11માંથી 10 બેઠકો પર શાનદાર જીત મેળવી છે. એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. આ સાથે જ નગરપાલિકા પરિષદો અને નગર પંચાયતોમાં ફરી ભાજપે કબજો મેળવ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠકો જીતી શકી નથી.
ઉત્તરાખંડ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો અંગે રાજ્યના ચૂંટણી કમિશનર સુશીલ કુમારે કહ્યું કે, સત્તાધારી ભાજપે મેયરની 10 બેઠકો પર જીત હાસલ કરી છે. જ્યારે પૌડી જિલ્લામાં શ્રીનગર મેયરની બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. 11 મ્યુનિસિપલ કોર્પોરેશન, 43 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 46 નગર પંચાયતો માટે 23 જાન્યુઆરીએ મતદાન થયું હતું અને આજે 26 જાન્યુઆરીએ ચૂંટણીના પરિણામો જાહેર કરાયા હતા. હજુ મતગણતરી ચાલુ છે.


કોંગ્રેસે છેલ્લે વર્ષ 2018માં યોજાયેલી સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં મેયરની બે બેઠકો જીતી હતી, જોકે આ વખતે કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. નગર પરિષદોમાં પણ કોંગ્રેસ ભાજપ-અપક્ષોથી પાછળ, એટલે કે ત્રીજા નંબરે રહી છે. રિપોર્ટ મુજબ, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં 65.4 ટકા મતદાન થયું હતું. ચૂંટણીમાં કુલ 5405 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં 11 મેયર પદ માટે 72 ઉમેદવારો, મ્યુનિસિપલ કાઉન્સિલ પ્રમુખ માટે 445 અને મ્યુનિસિપલ કાઉન્સિલર અને સભ્યો માટે 4888 ઉમેદવારોનો સમાવેશ થાય છે.