હરિયાણામાં નાયબ સિંહ સૈની ફરી મુખ્યમંત્રી બનશે, ભાજપના મોટા નેતાનો દાવો

October 11, 2024

પંચકૂલા- હરિયાણામાં જીતની હેટ્રિક લગાવનાર ભાજપ ત્રીજી વખત સરકાર બનાવવા તૈયાર છે. નાયબ સિંહ સૈની 15 ઓક્ટોબરના રોજ બીજી વખત મુખ્યમંત્રી પદ માટે શપથ લઈ શકે છે. જો કે, પક્ષ તરફથી આ મુદ્દે હાલ કોઈ સત્તાવાર નિવેદન જાહેર થયુ નથી. હરિયાણા વિધાનસભા ચૂંટણીના મંગળવારે જારી કરવામાં આવેલા પરિણામોમાં ભાજપ કુલ 90માંથી 48 બેઠકો મેળવવામાં સફળ રહ્યું હતું.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંચકૂલા જિલ્લા આયુક્તે 10 સભ્યોની સમિતિની રચના કરી છે, જે શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમની તૈયારીઓ કરશે. હરિયાણા સરકારમાં મુખ્યમંત્રી સહિત મહત્તમ 14 મંત્રીઓ શપથ લેશે. ભાજપ સતત બીજી વખત સૈનીને રાજ્યની કમાન સોંપે તેવા અહેવાલો મળ્યા છે. સૈની માર્ચ, 2024થી હરિયાણામાં સત્તા સંભાળી રહ્યા છે. પક્ષના નેતાઓ આપેલા સંકેતો ઉપરાંત હરિયાણા બાબતોના પ્રભારી સતીષ પૂનિયાએ સૈનીને મુખ્યમંત્રી બનાવવાની ખાતરી કરી છે. પૂનિયાએ જણાવ્યું કે, અમે નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો હતો. તેનાથી અમને લાભ થયો છે. પરંતુ કોંગ્રેસે CM પદ માટે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, શૈલજા કુમારી, અને રણદીપ સુરજેવાલાનો ચહેરો રજૂ કરતાં જનતાને મૂંઝવણમાં મુકી હતી.


પાણીપત ગ્રામીણમાંથી મહિપાલ ઢાંડા, વલ્લભગઢમાંથી મૂલચંદ શર્મા, કૃષ્ણલાલ પંવાર, કૃષ્ણ કુમાર, આરતી સિંહ રાવ, ઓમપ્રકાશ યાદવ, રાવ નરબીર સિંહ, શ્રુતિ ચૌધરી, શક્તિરાની શર્મા, સાવિત્રી જિંદાલ, અનિલ વિજ, શ્યામ સિંહ રાણા, જગમોહન આનંદ, હરવિંદર કલ્યાણ, કૃષ્ણ લાલ મિંડ્ઢા, અરવિંદકુમાર શર્મા, વિપુલ ગોયલ, નિખિલ મદાન અને ઘનશ્યામ દાસ, દેવેન્દ્ર અત્તરી પણ મંત્રી પદની રેસમાં હોવાનું માનવામાં આવે છે. પક્ષ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.