દિલ્હીમાં અવ્યવસ્થા, બેદરકારી અને નિષ્ફળતા...' રાહુલ ગાંધીએ સરકાર સામે નિશાન તાક્યું

February 16, 2025

દિલ્હી- નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મામલે સામાન્ય નાગરિકોથી લઈને રાજનેતાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેલવેએ આ મામલે તપાસ કરવા એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાની જાહેરાત કરી છે કે જેથી કરીને નાસભાગના સાચા કારણો જાણી શકાય. આ દરમિયાન રાહુલ ગાંધીએ સરકાર સામે નિશાન તાક્યું હતું. આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ નાસભાગ અંગે કેન્દ્ર સામે નિશાન તાક્યું. તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે અનેક લોકના મોત અને અનેક લોકોના ઘાયલ થયાના અહેવાલ અત્યંત દુઃખદ છે. 
કેન્દ્ર અને રેલવે સામે નિશાન તાકતાં રાહુલ ગાંધીએ એક પોસ્ટ કરી જેમાં લખ્યું કે આ ઘટના ફરી એકવાર રેલવેની નિષ્ફળતાને ઉઘાડી પાડે છે. સરકારની અસંવેદનશીલતા છતી થઈ ગઈ છે. શોકાતુર પરિવારો પ્રત્યે મારી ગાઢ સંવેદનાઓ અને ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી આશા રાખું છું. 
સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રયાગરાજ જતાં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને જોતા સ્ટેશન પર મજબૂત વ્યવસ્થા કરવાની જરૂર હતી. સરકાર અને તંત્રએ સુનિશ્ચિત કરવાની જરૂર હતી કે બેદરકારી અને અવ્યવસ્થાને કારણે કોઈએ જીવ ન ગુમાવવો પડે.