એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે 'જય શ્રીકૃષ્ણ'થી શરૂ કર્યું સંબોધન

January 31, 2025

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  ફેડરલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી એફબીઆઈના નવા ડિરેક્ટર પદે ભારતીય મૂળના કાશ પટેલની નિમણૂક થઈ છે. એફબીઆઈના નવા ડિરેક્ટર પદ માટે ભારતીય મૂળ અમેરિકન કાશ (કશ્યપ) પટેલની પસંદગી માટે સિનેટર્સની કન્ફર્મેશન હિયરિંગ યોજાઈ હતી. જેમાં અંતિમ મહોર માટે યોજાયેલી સિનેટર્સની બેઠકને સંબોધિત કરતાં કાશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલી ભારતીય સંસ્કૃતિની ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેમણે આ બેઠકમાં અભિવાદન કરતાં પહેલાં માતા-પિતાને પગે લાગી આશીર્વાદ લીધા હતા. તેમજ સૌને 'જય શ્રી કૃષ્ણ' કર્યા હતાં.
કાશ પટેલે સિનેટ બેઠકમાં એફબીઆઈના ડિરેક્ટર પદે પસંદગી અંગે અભિવાદન કરતાં કહ્યું હતું કે, 'હું મારા માતા અંજના અને પિતા પ્રમોદનું સ્વાગત કરવા માગુ છું. તેઓ આજે અહીં બેઠા છે, તેઓ ભારતથી આવ્યા છે. તેમની સાથે મારી બહેન પણ આવી છે. તમે લોકો અહીં આવ્યા તે મારા માટે ખૂબ મહત્ત્વનું છે. જયશ્રી કૃષ્ણ...'
આગળ કાશ પટેલે કહ્યું કે, જ્યારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મને એફબીઆઈના ડિરેક્ટર પદે નિમણૂક કરવાની રજૂઆત કરી, તો હું ખૂબ ગર્વ અનુભવી રહ્યો હતો. આજે અહીં સુધી મારા માતા-પિતાના સપનાઓને સાથે લઈને પહોંચ્યો છું. તેમજ લાખો અમેરિકન્સની અપેક્ષાઓને પણ સાથે લઈને ચાલી રહ્યો છું, કે જેઓ ન્યાય, નિષ્પક્ષ અને કાયદાના શાસન સાથે ઉભા છે.