રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, પાકિસ્તાની હુમલાના પીડિતો સાથે કરી મુલાકાત

May 24, 2025

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજે શનિવારે સરહદી જિલ્લા પૂંછમાં પહોંચ્યા છે. જ્યાં પાકિસ્તાનના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના સ્વજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી. રાહુલ ગાંધી ગોળીબારથી પ્રભાવિત લોકોની વ્યથા સાંભળી રહ્યા છે. પહલગામ આતંકી હુમલા બાદ રાહુલ ગાંધી બીજી વખત જમ્મુ-કાશ્મીર આવ્યા છે. પહલગામ હુમલા બાદ કોંગ્રેસ નેતા અગાઉ 25 એપ્રિલે શ્રીનગર પહોંચ્યા હતાં.  પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને આઠથી દસ દિવસ સુધી સીઝફાયરનું ઉલ્લંઘન કરી આંતરરાષ્ટ્રીય સરહદો પર ગોળીબાર અને મોર્ટાર વડે હુમલા કર્યા હતાં. જેમાં 20 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતાં. જ્યારે 80થી વધુ લોકો ઘવાયા હતાં.  રાહુલ ગાંધીએ પૂંછમાં પીડિતોની મુલાકાત દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે, આ ખૂબ જ ભયાવહ ઘટના હતી. અહીં ઘણા લોકો માર્યા ગયા છે. મેં પીડિતો સાથે મુલાકાત કરી, વાતો કરી. હું પરિસ્થિતિ અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ મુદ્દાને હું રાષ્ટ્રીય સ્તરે ઉઠાવીશ. રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન પક્ષના સાંસદ તથા જમ્મુ-કાશ્મીરના પ્રભારી ડો. સૈયદ નાસિર અહમદ, પ્રદેશ પ્રધાન તારિક હમીદ કરા પૂંછ પહોંચ્યા હતાં. પૂંછમાં તેઓ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સંપૂર્ણ માહિતી આપશે. આ સિવાય અંતરિયાળ વિસ્તારોમાં બંકરોના નિર્માણ, સમારકામ અને પ્રભાવિત લોકો માટે વ્યાપક પેકેજની માગ સંબંધિત મુદ્દા પર વિચાર-વિમર્શ કરશે. રાહુલ ગાંધી શનિવારે સાંજે દિલ્હી પરત ફરશે.