NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા

May 15, 2026

દિલ્હી ઃ NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIને મોટી સફળતા મળી છે. CBIએ આ મામલાના કિંગપિન એટલે કે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ પી. વી. કુલકર્ણી તરીકે થઈ છે, જે કેમિસ્ટ્રીનો લેક્ચરર છે અને NTAની પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલો હતો. CBI તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી પી. વી. કુલકર્ણી, જે મૂળ લાતૂરનો રહેવાસી છે, તે પૂણેમાં કેમિસ્ટ્રી લેક્ચરર છે. તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વતી પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતો, જેના કારણે તેની પહોંચ સીધી પ્રશ્નપત્રો સુધી હતી. કુલકર્ણી લાતૂરની દયાનંદ કૉલેજમાં કેમિસ્ટ્રી પ્રોફેસર તરીકે કાર્યરત હતો. હવે તે નિવૃત્ત થઈ ચૂક્યો છે. આરોપી મનીષા વાઘમારેની પૂછપરછ બાદ CBI કુલકર્ણી સુધી પહોંચી હતી. લાંબી પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સી મુજબ, એપ્રિલ 2026ના છેલ્લા અઠવાડિયામાં કુલકર્ણીએ અન્ય એક આરોપી મનીષા વાઘમારેની મદદથી વિદ્યાર્થીઓને એકઠા કર્યા અને પૂણે સ્થિત પોતાના ઘરે સ્પેશિયલ કોચિંગ ક્લાસ ચલાવ્યા. મનીષા વાઘમારેની CBI દ્વારા અગાઉ 14 મે 2026ના રોજ ધરપકડ કરવામાં આવી છે. આ ક્લાસમાં તેણે પ્રશ્નો, તેના વિકલ્પો અને સાચા જવાબો વિદ્યાર્થીઓને લખાવ્યા (ડિક્ટેટ કર્યા) હતા. વિદ્યાર્થીઓ તે પ્રશ્નો પોતાની કોપીમાં લખતા હતા. બાદમાં તપાસમાં જાણવા મળ્યું કે તે પ્રશ્નો 3 મે 2026ના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષાના અસલી પેપર સાથે સંપૂર્ણપણે મળતા આવે છે.