ભલે ગમે તેટલો સમય લાગે, રાજકારણને સાફ કરજો- અરવિંદ કેજરીવાલ

February 23, 2025

દિલ્હી- દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓ અને સમર્થકોને કહ્યું કે, તમારે નિરાશ થવાની જરૂર નથી. દિલ્હીમાં 10 વર્ષ રાજ કરીને સત્તા ગુમાવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના નિવાસસ્થાને મળવા આવેલા કાર્યકર્તાઓ અને નેતાઓને કહ્યું કે, ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે. હવે મને જે પણ લોકો મળવા આવે, તેઓએ હસતાં ચહેરે આવવાનું છે. ઉપરવાળાએ મને સત્તા આપી હતી અને હવે તેમની ઈચ્છા કંઈક જુદી હતી.’


તેમણે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા તેઓને ચૂંટણીના હીરો ગણાવ્યા છે. પૂર્વ સીએમએ કહ્યું કે, મારા કાર્યકર્તાઓને ધમકી અપાઈ, ડરાવવામાં આવ્યા, લાલચ અપાઈ, તેમ છતાં તેઓ તૂટ્યા નહીં. ભલે ગમે તેટલો સમય લાગે, ગુંડાગર્દી કરી અને નાણાંના બળ પર ચૂંટણી લડવામાં આવે અને જીતવામાં આવે, તેવા રાજકારણને સાફ કરજો. આપણે બે ચૂંટણી જીતી બતાવી છે અને આગામી સમયમાં પણ જીતીને બતાવીશું. આપણે પૈસા અને ગુંડાગર્દી વગર ઈમાનદારીથી ચૂંટણી જીતીને દેખાડીશું. તમે બધા લોકોની સેવા કરવાનું ન છોડતા. સત્તા વગર જેટલી સેવા કરી શકો, તેટલી કરતા રહેજો. જો કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાના હોય, સ્કૂલમાં એડમિશન કરાવવાનું હોય, તો સેવા કરતા રહેજો. તમે જેવી પણ સેવા કરી શકો તે કરતા રહેજો. સેવા ઘટવી ન જોઈએ. ચૂંટણી આવતી-જતી રહે છે. હવે જે લોકો મારા ઘરે આવે, તેઓ હસતાં ચહેરે આવે, નિરાશ થવાનું નથી, ખુશ રહેવાનું છે. હાર અને જીત, બંનેમાં મનોબળ ઊંચુ રાખવું જોઈએ.