પેલેટ ગન મામલે ફરિયાદ નોંધવામાં દિલ્હી પોલીસે અખાડા કરતા રાહુલ ગાંધીના 4 કલાક ધરણા

August 21, 2026

વિવાદ વકરતાં દિલ્હી પોલીસે FIRની માગ સ્વીકારી

દિલ્હી- આખરે રાહુલ ગાંધીના ધરણા બાદ દિલ્હી પોલીસ ઝૂકી છે. પેલેટ ગન મામલે FIR નોંધવા માટે તૈયાર થઈ ગઈ છે. રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ મથકે છેલ્લા 4-5 કલાકથી FIR નોંધવાની માંગ પર અડગ હતા. દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની માગ સ્વીકારી લીધી છે. સાહિલ લોચબની રજૂઆતને આધારે પોલીસ અજાણ્યા લોકો સામે FIR નોંધી છે.

દિલ્હીના સંસદ માર્ગ પોલીસ મથકે આવેલી DCP ઑફિસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા હતા. જંતર-મંતર ખાતે 'કોકરોચ જનતા પાર્ટી'(CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પેલેટ ગનના કથિત ઉપયોગ અંગે પોલીસ તપાસ કેટલે પહોંચી છે અને અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે, તેની વિગતો મેળવવી એ તેમનો મુખ્ય હેતુ હતો. આ દરમિયાન રાહુલ ગાંધી પેલેટ ગનથી પીડિત સાહિલને પણ પોતાની સાથે લાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ એફઆઇઆર પણ નોંધવામાં આવી નથી. 


રાહુલ ગાંધી સાથે વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ અને અધીર રંજન ચૌધરી સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ધરણામાં જોડાયા છે. બીજી તરફ પોલીસે જણાવ્યું છે કે ફરિયાદ સ્વીકારી લેવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. શાંતિપૂર્ણ પ્રદર્શનકારી સાહિલ પર પેલેટ ગનથી હુમલો થયો અને તેની આંખની રોશની જોખમમાં છે. આ ગંભીર ગુનો હોવાથી તુરંત FIR નોંધાવી જોઈએ. રાહુલ ગાંધીએ પોલીસ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરીને તપાસ ક્યાં સુધી પહોંચી છે અને તેના શું પરિણામો આવ્યા છે તે જાણવા પ્રયાસ કર્યો હતો. આ ઘટના બનતા જ, જંતર-મંતર ખાતે CJPના આંદોલન સમયે થયેલા પેલેટ ગનના ઉપયોગનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જોકે, પોલીસ પક્ષેથી હજુ સુધી તપાસના તારણો કે કોઈ નક્કર કાર્યવાહી અંગે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં, એ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે રાહુલ ગાંધી આ બાબતે ખૂબ ગંભીર છે અને સમગ્ર તપાસ કાર્યવાહી પર સતત નજર રાખી રહ્યા છે.