આગામી 3 કલાક ભારે, મુંબઇમાં ભારે વરસાદને લઇને અપાયુ રેડ એલર્ટ

September 15, 2025

મુંબઇમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે.  સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મુંબઇ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 કલાક ભારે વરસાદ પડશે. ભારે વરસાદને લઇને હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. મુંબઇ સાથે થાણે અને રાયગઢમાં પણ વરસાદને લઇને એલર્ટ અપાયું છે. 

ભારે વરસાદને પગલે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને હજુ સુધી આ પ્રદેશની શાળાઓ માટે રજા જાહેર કરી નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓને વધુ સૂચનાઓ અને વિગતો માટે શાળા અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. તો બીજી તરફ  પુણે શહેરમાં પણ રવિવારે મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. 

IMD મુંબઈ અનુસાર પુણે, રાયગઢ, અહમદનગર, બીડ અને લાતુરમાં ભારે પવન અને વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે અને દરેકને ઘરની બહાર નીકળતા પહેલા એકવાર હવામાન અપડેટ તપાસવાની અને આજે જરૂર વગર ઘરની બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે.

IMD એ આ અઠવાડિયે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. IMD ની આગાહી મુજબ 16 સપ્ટેમ્બરે, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં કેટલીક જગ્યાએ હળવો થી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે 15 અને 16 સપ્ટેમ્બરે કોંકણ અને ગોવા, મધ્ય, મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે.