દક્ષિણ ભારતમાં સીમાંકનનો મુદ્દો ચગ્યો, કર્ણાટકના CMએ અમિત શાહ પાસેથી માગી ગેરન્ટી

February 28, 2025

તમિલનાડુ : લોકસભા બેઠકોના ​​સીમાંકન બાદ તમિલનાડુ, કેરળ અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં બેઠકોમાં ઘટાડો થવાની સંભાવના છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને રાજ્યના તમામ પક્ષોની બેઠક બોલાવી છે એટલું જ નહીં, હવે આ મુદ્દો જોર પકડી રહ્યો છે અને કર્ણાટકના સીએમ એમ સિદ્ધારમૈયાએ પણ આ અંગે કેન્દ્ર પાસેથી ગેરંટી માંગી છે. 


તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો પણ જવાબ આપ્યો જેમાં તેમણે કહ્યું હતું કે, 'તમિલનાડુ અથવા અન્ય કોઈ દક્ષિણ રાજ્યમાં બેઠકો ઘટાડવામાં આવશે નહીં.' સિદ્ધારમૈયાએ કહ્યું કે જો 2025ની વસ્તી ગણતરી પ્રમાણે સીમાંકન કરવામાં આવે તો દક્ષિણ ભારતના 5 રાજ્યોની બેઠકો ઓછી થઈ જશે. અગાઉ પણ વસ્તીના હિસાબે સીમાંકન થયું છે અને જો આ વખતે પણ આ જ ફોર્મ્યુલા રહેશે તો નુકસાન થશે.
સીએમ એમકે સ્ટાલિને ગૃહમંત્રી અમિત શાહ પાસેથી ગેરન્ટી માંગી કે સીમાંકન 1971ની વસ્તી ગણતરીના આધારે જ કરવામાં આવે. સિદ્ધારમૈયાએ કહ્યું, 'એ હકીકત છે કે જો વર્તમાન વસ્તીના હિસાબે સીમાંકન કરવામાં આવે તો દક્ષિણ ભારતના રાજ્યોને નુકસાન થશે. આ અન્યાયને રોકવા માટે, સીમાંકન ફક્ત વર્ષ 1971ની વસ્તી ગણતરીના ડેટા અનુસાર જ હોવું જોઈએ. જો ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે માત્ર વર્ષ 1971ના ડેટાનો ઉપયોગ કરવામાં આવશે તો માની શકાય છે કે દક્ષિણ ભારતના રાજ્યોને કોઈ નુકસાન નહીં થાય.' એમકે સ્ટાલિન દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓનો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે, 'દક્ષિણ ભારતમાં કોઈ રાજ્ય બેઠક ગુમાવશે નહીં.' આ મુદ્દો એમકે સ્ટાલિને ઉઠાવ્યો હતો અને હવે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને કર્ણાટકમાં પણ તે વેગ પકડી રહ્યો છે.