સોનાની દાણચોરીમાં ફસાયેલી અભિનેત્રી રાન્યા રાવના જામીન મંજૂર, પણ કસ્ટડીમાંથી મુક્તિ નહીં

May 20, 2025

બેંગ્લુરૂ : સોનાની દાણચોરીમાં પકડાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવના જામીન અંતે મંજૂર થયા છે. બેંગ્લુરૂ કોર્ટે સોનાની દાણચોરીમાં ધરપકડ કરવામાં આવેલી રાન્યા રાવ અને તરૂણ કોંડુરૂ રાજુને વ્યક્તિગત ધોરણે રૂ. 2 લાખ બોન્ડ પેટે અને બે જામીનોની ખાતરી પર જામીન આપ્યા છે.

બેંગ્લુરૂ કોર્ટે બંનેને સુનાવણીની તમામ તારીખો પર હાજર રહેવા તેમજ, તપાસમાં સહભાગી થવાની શરતે જામીન મંજૂર કર્યા છે. વધુમાં પુરાવા સાથે છેડછાડ ન કરવા, કોર્ટની મંજૂરી વિના દેશ ન છોડવા અને ભવિષ્યમાં આ પ્રકારના ગુનાનું આચરણ ન કરવાની શરત પણ મુકી છે. 

કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, જો તેઓએ કોર્ટની કોઈપણ શરતોનો ભંગ કર્યો તો તેમના જામીન નામંજૂર કરવામાં આવશે. અગાઉ ગતમહિને કોર્ટે તેની જામીન અરજી રદ કરી હતી. રાન્યા રાવે ડીઆરઆઈ (ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ) તપાસના 60 દિવસ થયા હોવા છતાં ચાર્જશીટ રજૂ કરવામાં નિષ્ફળ જતાં જામીન માટે અરજી કરી હતી.