અભિનેત્રી તમન્ના ભાટિયા કર્ણાટકમાં સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બનતાં વિવાદ, લોકો ભડક્યાં

May 24, 2025

મૈસુર સેન્ડલ સાબુ કર્ણાટકના ઇતિહાસ અને સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. આ સાબુનું ઉત્પાદન સૌપ્રથમ વર્ષ 1918માં થયું હતું. હવે, એક સદી કરતાં વધુ સમય પછી, આ સાબુનાં કારણે કર્ણાટકમાં વિવાદ ઉભો થયો છે અને તેની અસર ઉત્તર ભારતમાં પણ જોવા મળી રહી છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં અભિનેત્રી તમન્ના ભાટિયા અને કર્ણાટક સરકારે તેમની સાથે કરેલો સોદો છે.  કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે તમન્નાને માત્ર મૈસુર  સેન્ડલ સોપ જ નહિ પરંતુ કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડ (KSDL) ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. આ કંપની સરકાર દ્વારા નિયંત્રિત છે અને આ કંપની જ મૈસુર સેન્ડલ સોપનું ઉત્પાદન કરે છે. કર્ણાટક સરકારે તમન્ના સાથે 6.2 કરોડ રૂપિયાનો બે વર્ષ માટે કરાર કર્યો છે.  એવામાં હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તમન્નાને બદલે કર્ણાટકની કોઈ અન્ય અભિનેત્રીને આ માટે કેમ પસંદ કરવામાં આવી નહીં? કર્ણાટક તરફી જૂથો, સ્થાનિક કાર્યકરો અને વિપક્ષી નેતાઓએ હવે આ અંગે હોબાળો મચાવ્યો છે. તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણય પર પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર વિવાદે પ્રાદેશિક ઓળખ અને પ્રતિનિધિત્વ પર ચર્ચા જગાવી છે. ટીકાકારોનો તર્ક છે કે સરકારે કર્ણાટકની એક અભિનેત્રીને બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવી જોઈતી હતી જેને રાજ્યની પ્રાદેશિક સંસ્કૃતિની ઊંડી સમજ હતી. એવામાં હવે મુંબઈમાં જન્મેલી તમન્નાએ દક્ષિણ ભારતીય ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હોવા છતાં તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા વિવાદ ઉભો થયો છે.