ચીનનો નિર્ણય, ઉચ્ચ અધિકારીઓ સરકારી પૈસે મોંઘા દારૂ-સિગારેટ કે સ્ટાર હોટલોમાં ભોજનની મજા નહિ માણી શકે

May 21, 2025

ચીનની આર્થિક સ્થિતિ સારી નથી. અમેરિકા સાથેના ટ્રેડ વોરના કારણે, શી જિનપિંગની સરકાર પાસે એટલા બધા પૈસા ખૂટી ગયા છે કે તેણે સરકારી અધિકારીઓ માટે આદેશ જારી કરવો પડ્યો હતો. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ખોટા ખર્ચ ઘટાડવા કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા છે. ચીન સરકારે નવો નિયમ અમલી કરતા જાહેરાત કરી છે કે, હવે કોઈ પણ સરકારી કાર્યક્રમોમાં ઉચ્ચ અધિકારીઓ સરકારી પૈસે મોંઘા દારૂ-સિગારેટની મજા નહીં માણી શકે. તેમજ સરકારી કામ કરતી વખતે સરકારના પૈસે સ્ટાર હોટલોમાં મોંઘું ભોજન પણ નહીં કરી શકે. મહેમાનોને એરપોર્ટ પર મૂકવા જવા પણ ખોટા ખર્ચ નહીં કરી શકે. એટલું જ નહીં, દરેક સરકારી કાર્યક્રમોમાં સ્ટેજની આસપાસ મોંઘા ફૂલોથી સજાવટ પણ નહીં કરી શકે. નોંધનીય છે કે, ચીનમાં શી જિનપિંગ સરકારે સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે અભિયાન શરૂ કર્યું છે. ખર્ચ ઘટાડવાની સૂચનાઓની અસર શેરબજાર પર પણ જોવા મળી છે. 19 મેના રોજ, ચીનના કન્ઝ્યુમર વસ્તુઓના શેરને સૌથી વધુ નુકસાન થયું, જેમાં CSI 300 ઇન્ડેક્સ સબ-ગ્રુપ 1.4% ઘટ્યો. લોકપ્રિય ચીની દારૂ ઉત્પાદક કંપનીના શેરની કિંમત પર પણ અસર જોવા મળી.  ખરેખર, ચીનનું અર્થતંત્ર આ સમયે ખરાબા પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહ્યું છે. જમીન વેચાણમાંથી થતી આવકમાં ઘટાડો થયો છે, જેની અસર સ્થાનિક સરકારોના બજેટ પર પડી રહી છે. દેવાનો બોજ પણ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરીથી તેમની જૂની લાઇન, 'બેલ્ટ ટાઈટ કરો, દેખાડો બંધ કરો' ને અનુસરી રહ્યા છે.