કર્નલ સોફિયાને આતંકીઓની બહેન કહેનારા મંત્રી સામે કેસ નોંધાશે

May 14, 2025

ઇન્દોર : મધ્યપ્રદેશ હાઈકોર્ટે કર્નલ સોફિયા કુરેશી પર મધ્યપ્રદેશના આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સ્વતઃ નોંધ લીધી છે. હાઈકોર્ટે મધ્યપ્રદેશના ડીજીપીને વિજય શાહ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે, જોકે આ સંદર્ભમાં કોર્ટનો વિગતવાર આદેશ હજુ સુધી જાહેર કરાયો નથી.

તમને જણાવી દઈએ કે વિજય શાહનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન ગણાવી હતી. તેમના આ નિવેદન બાદ દેશભરમાં તેમના વિરુદ્ધ વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે.

શાહ રવિવારે ઇન્દોરના મહુના રાયકુંડા ગામમાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

કર્નલ સોફિયા પર ભાજપમંત્રીએ વાંધાજનક નિવેદન આપ્યું મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે ભારતીય સેનાનાં કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- જે લોકોએ આપણી દીકરીઓનો સિંદૂર ઉજાડ્યો હતો, મોદીજીએ તેમની જ બહેનને મોકલીને તેમની ઐસી કી તૈસી કરી દીધી.

શાહે સોમવારે ઇન્દોરના મહુના રાયકુંડા ગામમાં આયોજિત હલમા કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. એનો વીડિયો મંગળવારે વાઇરલ થયો હતો. આમાં તેઓ એમ પણ કહી રહ્યા છે કે મોદી સમાજ માટે જીવે છે અને સમાજ માટે કામ કરી રહ્યા છે.

શાહે એમ પણ કહ્યું હતું કે તેઓ આપણા હિન્દુઓને કપડાં ઉતારીને મારતા હતા અને મોદીજીએ તેમની બહેનને તેમના ઘરે તેમને મારવા મોકલી હતી. હવે મોદીજી તો કપડાં ઉતારી ના શકે, તેથી તેમણે તેમના સમુદાયની એક બહેનને મોકલી કે તમે અમારી બહેનોને વિધવા બનાવી દીધી, તેથી તમારા સમુદાયની બહેન આવીને તમને નગ્ન કરશે. જાતિ અને સમુદાયની બહેનોને પાકિસ્તાન મોકલીને દેશનાં માન-સન્માન અને આપણી બહેનોના સુહાગનો બદલો લઈ શકો છો.

શાહે કહ્યું- મોદીજીએ કહ્યું હતું કે ઘરમાં ઘૂસીને મારીશું. જમીનમાં દાટી દઈશું. આતંકવાદીઓ ત્રણ માળના મકાનમાં બેઠા હતા. એક મોટા બોમ્બથી છત ઉડાડી દેવામાં આવી, પછી વચ્ચેની છત ઉડાડી દેવામાં આવી અને અંદર ગયા પછી પરિવાર ભાંગી પડ્યો. ફક્ત 56 ઇંચની છાતી ધરાવતી વ્યક્તિ જ આ કરી શકે છે.

શાહે કહ્યું- ભાષણને ખોટા સંદર્ભમાં ન જુઓ વીડિયો વાઇરલ થયા પછી મંત્રી વિજય શાહે મંગળવારે સમાચાર એજન્સી ANIને જણાવ્યું, પ્રધાનમંત્રીએ આપણી બહેનોના સિંદૂરને ઉજાડનારાઓને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. મારા ભાષણને અલગ સંદર્ભમાં ન જુઓ. કેટલાક લોકો એને અલગ સંદર્ભમાં જોઈ રહ્યા છે. તેઓ આપણી બહેનો છે અને તેમણે પોતાની પૂરી તાકાતથી સેના સાથે કામ કર્યું છે.

સંગઠન મહાસચિવને નિવેદન બદલ ઠપકો મંત્રી શાહના નિવેદનથી ગુસ્સે ભરાયેલા પાર્ટી હાઇકમાન્ડે તેમને રાજ્ય મુખ્યાલયમાં બોલાવ્યા. સંગઠન મહાસચિવ હિતાનંદ શર્માના કહેવા પર મંત્રી ચપ્પલ પહેરીને પાર્ટી કાર્યાલય પહોંચ્યા. અહીં સંગઠનના મહાસચિવે તેમને નિવેદન બદલ ઠપકો આપ્યો, ત્યાર બાદ મંત્રીએ પોતાના શબ્દો બદલી નાખ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહે માફી માગી છે અને ફરી આવું નહીં કરવાનું વચન આપ્યું છે.