ભારતીય જવાનોની હિંમત અને જુસ્સો વધારવા 'જય હિન્દ યાત્રા'નું આયોજન

May 14, 2025

ભારતીય સેનાના આ પરાક્રમને બિરદાવવા માટે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા એક જય હિંદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ, કોર્પોરેશનના વિપક્ષ નેતા, વિપક્ષ નગરસેવક, અને કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાયા હતા. આ જય હિંદ યાત્રા શહેરના ટાઉન હોલ પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલયથી શરુ થઈ લીમડાલાઈન વિસ્તાર, લાલબંગલા સહિતના માર્ગો પર ફરી પરત થઈ હતી.

આ યાત્રા દરમિયાન શહેરના લાલ બંગલા સર્કલ પાસે આવેલ જામનગરના રાજવી અને ભારત દેશના સૈનિકના વડા રાજેન્દ્રસિંહ જાડેજાની પ્રતિમાને ફુલહાર વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને ઓપરેશન સિંદુર એ દેશ અને સેનાની સિદ્ધિ ગણાવી હતી. બીજી તરફ દેશભરમાં આજથી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી તિરંગા યાત્રાનો પ્રારંભ ગુજરાતમાં પણ થઈ ચૂક્યો છે અને અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

અમદાવાદમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ રાષ્ટ્રહિત અને દેશની એકતાની યાત્રા છે. આપણી સેનાનું મનોબળ વધારતી યાત્રા છે. સેનાના જવાનો માતૃભૂમિની રક્ષા કરવા માટે 24 કલાક ખડેપગ ઉભા છે. ભારતે આતંકવાદનો બદલો લીધો છે અને પાકિસ્તાન યોગ્ય જવાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી 13થી 23 મે દરમિયાન દેશભરમાં 'તિરંગા યાત્રા' કાઢવા જઈ રહી છે.