અમેરિકા પર ટેરિફ લગાવી વળતો જવાબ આપીશું, WTOમાં ભારતની મોટી જાહેરાત

May 13, 2025

ભારતે આજે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં અમેરિકા દ્વારા વસૂલવામાં આવતાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફના જવાબમાં રિટેલિયેટરી ડ્યુટી (જવાબી ડ્યુટી) લાગુ કરવાની જાહેરાત કરી છે. WTO અનુસાર, અમેરિકા દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફના કારણે ભારતથી આયાત થતાં 7.6 અબજ ડૉલરના ગુડ્સ પર 1.91 અબજ ડૉલરનો ટેરિફ બોજો પડી રહ્યો છે. જેના જવાબમાં ભારતે અમેરિકામાંથી આવતી પ્રોડક્ટ્સ પર તેટલો જ 25 ટકા ટેરિફ લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વર્ષે એપ્રિલમાં ભારતે WTOના નિયમો હેઠળ અમેરિકા સાથે આ મુદ્દે વાતચીત કરવાની માગ કરી હતી. જો કે, અમેરિકાએ વાતચીત કરવાનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે, આ ટેરિફ અમારી સુરક્ષા માટે છે, અને તેને  2018માં અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લાદવાની શરુઆત કરી હતી. જેમાં સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટેરિફ લાદ્યો હતો. 2020માં તેમાં વધારો કરવામાં આવ્યો હતો. 10 ફેબ્રુઆરી, 2025ના રોજ બંને પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારી 25 ટકા કર્યો હતો. જેથી ભારતના સ્ટીલ અને એલ્યુમિનિયમ નિકાસકારો પર બોજો વધ્યો છે.  ભારતે WTOમાં અપીલ કરી હતી કે, અમેરિકા દ્વારા લાગુ સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફનો જવાબ વેપાર લાભો અને જવાબદારીઓ પર કાપ મૂકે છે. અમેરિકાનું આ પગલું WTOના વેપાર નિયમો અને સેફગાર્ડ ડીલની વિરુદ્ધ છે. અમેરિકા આ મુદ્દે વાતચીત કરવા પણ માગતું નથી. આથી અમે અમારા વેપારમાં થઈ રહેલા નુકસાનના જવાબમાં ટેરિફ લગાવી શકીએ છીએ. તેના માટે ભારત અમેરિકાની અમુક પ્રોડ્કટ્સ પર ટેરિફ વધારશે. અમેરિકાએ જ્યારે 2018માં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લાદ્યો હતો. ત્યારે જૂન, 2019માં ભારતે પણ રિટેલિયેટરી ડ્યુટી લાગુ કરતાં બદામ, અખરોટ સહિત 28 અમેરિકન પ્રોડક્ટ્સ પર 28 ટકા ટેરિફ લાદ્યો હતો અને WTOમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ભારતે હાલમાં ફરિયાદ કરતાં કહ્યું કે, 30 દિવસ બાદ ટેરિફ લાગુ કરવા અને ફેરફાર કરવા માટેનો અધિકાર છે. ભારત ભવિષ્યમાં આ પ્રસ્તાવમાં ફેરફાર અથવા નવો પ્રસ્તાવ લાવી શકે છે. ભારતનું આ પગલું અત્યંત મહત્ત્વનું છે. કારણકે, તે અમેરિકા સાથે ટેરિફ મુદ્દે દ્વિપક્ષીય વેપાર કરાર કરવા ચર્ચાઓ કરી રહ્યું છે. આ સપ્તાહે ભારતની એક ટીમ આ ચર્ચાઓમાં ભાગ લેવા અમેરિકા રવાના થશે.