સાઉદીની અમેરિકામાં 600 અબજ ડોલરના રોકાણની ખાતરી

May 14, 2025

રિયાધ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાઉદી અરેબિયાના પ્રવાસે આવ્યા છે. તેમણે  પ્રિન્સ મોહમ્મદ સાથે બેઠક યોજી હતી અને ૬૦૦ અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા સહિત ૧૪૨ અબજ ડોલરનું ડીફેન્સ ડીલ કર્યુ છે. આ ડીલ બંને દેશ વચ્ચે અત્યાર સુધીમાં થયેલું સૌથી મોટું ડીફેન્સ ડીલ છે. ટ્રમ્પે હળવા અંદાજમાં જણાવ્યું હતું કે સાઉદીનું આ રોકાણ એક ટ્રિલિયન ડોલર સુધી જઈ શકે છે. અમેરિકાના સાઉદી સાથે થયેલા કરારોમાં સેક્ટર સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ડીલમાં પાંચ અબજ ડોલરના એનર્જી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, પાંચ અબજ ડોલરના ન્યુ એરા એરોસ્પેસ એન્ડ ડીફેન્સ ટેકનોલોજી ફંડ અને ચાર અબજ ડોલરના એન્ફિલ્ડ સ્પોર્ટ્સ ગ્લોબલ સ્પોર્ટ્સ ફંડનો સમાવેશ થાય છે.તેને સમાંતર સાઉદી અરેબિયા અમેરિકાના એફ-૩૫ જેટ ખરીદે તેના માટે પણ વાટાઘાટ ચાલી રહી છે. ટ્રમ્પની મુલાકાતની સાથે-સાથે યુએસ-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમની બેઠક પણ યોજાઈ હતી. તેમા અમેરિકાથી બ્લેકરોકના સીઇઓ લેરી ફિન્ક, બ્લેકસ્ટોનના સીઇઓ એ સ્કવાર્ટ્ઝમેન, ઓપન એઆઇના સીઇઓ સામ ઓલ્ટમેન, ઇલોન મસ્ક, ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ રોકાણની તકો ખંખોળવા આવ્યા હતા. ટ્રમ્પે આ પ્રસંગે ૨૦૧૭ની મુલાકાત પણ યાદ કરી હતી. કુલ ૬૦૦ અબજ ડોલરના સોદામાંથી ૩૦૦ અબજ ડોલરના સોદા પર સહીસિક્કા તો ફોરમની બેઠક દરમિયાન જ થઈ ગયા હતા.  ટ્રમ્પ બુધવારે કતાર જવાના છે અને ગુરુવારે યુએઈ જવાના છે. ટ્રમ્પના આ દેશોમાંથી પણ જંગી રોકાણ મેળવવાની આશા છે. વોશિંગ્ટન ઇન્સ્ટિટયુટ ફોર નીયર ઇસ્ટ પોલિસી થિન્ક ટેન્કના સીનિયર ફેલો એલિઝાબેથ ડેન્ટે જણાવ્યું હતંન કે ટ્રમ્પના સાઉદી પ્રવાસમાં બંને વચ્ચે સિવિલ ન્યુક્લિયર ડીલ થાય તેવી સંભાવના વધારે છે. સાઉદી અરેબિયા પણ તેના વિઝન ૨૦૩૦ હેઠળ તેના ઇકોનોમીને વૈવિધ્યકૃત કરવા માંગે છે. તેથી તે તેને ત્યાં અવનવા ક્ષેત્રોમાં રોકાણને વેગ આપવા આતુર છે. તેના ભાગરૂપે તે નીઓમ જેવા ફ્યુચરિસ્ટિક સિટી બનાવી રહ્યુ છે, જે બેલ્જિયમ જેવડું શહેર છે. તેમા ૩૦ લાખ લોકો રહી શકશે. આ શહેરને એ રીતે વિકસાવવામાં આવનાર છે કે ત્યાં રહેનાર દરેક જણ તેના કામકાજના સ્થળે ૧૫થી ૨૦ મિનિટમાં પહોંચી જશે. સાઉદી તેની ઓઇલ પરની નિર્ભરતા ગયા વર્ષે ઘટાડીને ૬૨ ટકા સુધી લઈ આવ્યું છે.