પાકિસ્તાન સામે બલુચોનું 'ઓપરેશન-હેરોફ' BLA વિપ્લવીઓએ પાક સેના પર કુલ મળી 71 હુમલા કર્યા

May 14, 2025

કલાત : પાકિસ્તાનની મુસીબતો ખત્મ લેવાનું નામ લેતી નથી. બલુચ લિબરેશન આર્મી (બીએલએ) પાકિસ્તાનની સેના વિરૂદ્ધ 'ઓપરેશન હેરોફ' શરૂ કરી દીધું છે. છેલ્લાં કેટલાક સપ્તાહોમાં તેણે ૫૧થી વધુ સ્થળોએ કુલ મળી ૭૧ જેટલા હુમલા કર્યા છે. બીએલએ દ્વારા આ સંકલિત હુમલાઓની ખુલ્લેઆમ જવાબદારી લેવામાં આવી છે. બી.એલ.એ.એ એક નિવેદન પ્રસિદ્ધ કરી જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદનું પ્રજનન સ્થળ છે.' આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને એક 'આતંકવાદી દેશ' જાહેર કરવો જોઈએ. બી.એલ.એ.એ 'ઓપરેશન હેરોફ' નીચે કેચ, પંજગુર, મસ્તુંગ, જમુરાત, તોલાંગી, કુલકી અને નુશ્કી વિસ્તારોમાં તો હુમલા કર્યા જ હતા, પરંતુ બલુચિસ્તાનનાં પાટનગર ક્વેટામાં પણ હુમલા કર્યા હતા. આ હુમલામાં તેમણે હવે માત્ર પાકિસ્તાની સેના અને જાસૂસી મથકો ઉપર જ હુમલા નથી કર્યા પરંતુ સ્થાનિક પોલિસ સ્ટેશનો અને ખનિજ લઈ જતાં વાહનોને પણ નિશાન બનાવ્યાં હતાં. એ નિવેદનમાં બીએલએએ જણાવ્યું હતું કે તે હુમલાઓમાં અમે અમારા નિર્દોષ નાગરિકોની પણ પાકિસ્તાન સેનાએ કરેલી હત્યાનો બદલો લઈ રહ્યા છીએ તેમાં અમે આઈ.ઈ.ડી. વિસ્ફોટ અને 'સ્નાઈપર ફાયર'નો પણ ઉપયોગ કરીએ છીએ. વિશ્લેષકો માને છે કે, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રદેશમાં ઈસ્લામાબાદ સ્થિત ફેડરલ ગવર્નમેન્ટનો કોઈ કાબુ રહ્યો હોય તેવું લાગતું નથી. ખૈબર પખ્તુનવામાં અનેક પર્વતીય વિસ્તારોમાં 'ખાન-સાહેબોની' જ સરકાર ચાલે છે જ્યારે બલુચિસ્તાનમાં 'અમીરો'ની સરકારો ચાલે છે. પખ્તુનો અને બલુચો પાકિસ્તાનમાં ઘૂસેલા ચીનના ઉગ્ર વિરોધીઓ છે.