4500 કરોડના ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં EDના દરોડા,ડિજિટલ રેકોર્ડ સહિત દસ્તાવેજો જપ્ત

March 04, 2025

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે, મેસર્સ પેનકાર્ડ ક્લબ્સ લિમિટેડ (PCL) અને અન્યો સામે કાર્યવાહી કરતી વખતે, મુંબઈ અને દિલ્હીમાં ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ આ કાર્યવાહી કંપની અને તેના પ્રમોટર્સ દ્વારા 50 લાખથી વધુ રોકાણકારો સાથે 4,500 કરોડ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કરી છે. EDએ કહ્યું કે મુંબઈ ઝોનલ ઓફિસે 28 ફેબ્રુઆરીએ આ દરોડા પાડ્યા હતા.

EDએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન, મેસર્સ પાનકાર્ડ ક્લબ્સ લિમિટેડના તત્કાલીન ડિરેક્ટર, મુખ્ય આરોપી સ્વ. સુધીર મોરવેકરના પરિવારના સભ્યો દ્વારા સંચાલિત વિદેશી સંપત્તિઓની વિગતો ધરાવતા વિવિધ ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આ મિલકતોમાંથી લીઝ-ભાડાની આવક મળતી હોવાનું પણ જાણવા મળ્યું છે. EDની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) એ મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ્સ ઑફ ડિપોઝિટર્સ (ફાઇનાન્સિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સમાં) એક્ટ, 1999 (MPID) હેઠળ એફઆઇઆરના આધારે પેનકાર્ડ ક્લબ લિમિટેડ અને અન્ય સામે તપાસ શરૂ કરી હતી.