યુકેમાં રહેવું હોય તો અંગ્રેજી આવડવી જ જોઈએ, 10 વર્ષે મળશે નાગરિકતા: નિયમો બદલાયા

May 13, 2025

યુકેના વડાપ્રધાન કીર સ્ટારમરે ઈમિગ્રેશનના નિયમો કડક કરવાની જાહેરાત કરી છે. જે હેઠળ હવે યુકેમાં રહેતા કાયદેસર પ્રવાસીઓએ નાગરિકતા મેળવવા માટે 5ની જગ્યાએ 10 વર્ષ સુધી રાહ જોવી પડશે. કોઈ વ્યક્તિ 10 વર્ષ યુકેમાં રહે તે બાદ જ તે નાગરિકતા મેળવવાને લાયક ગણાશે. સરકારના નિર્ણયના કારણે બહારના દેશોથી યુકેમાં આવી નાગરિકતા મેળવતા લોકોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાશે. આટલું જ નહીં યુકેના વડાપ્રધાન કીર સ્ટારમરે  'X' પર પોસ્ટ કરીને લખ્યું છે, કે 'જો તમે યુકેમાં રહેવા માંગો છો તો તમને અંગ્રેજી ભાષા આવડવી જ જોઈએ. તેથી અમે ઈમિગ્રેશનમાં અંગ્રેજી ભાષાની યોગ્યતાને પણ કડક બનાવી રહ્યા છે.' નોંધનીય છે કે યુકેની સરકાર ટૂંક સમયમાં સંસદમાં વિસ્તૃત ઈમિગ્રેશન વ્હાઇટ પેપર રજૂ કરશે. આગામી સમયમાં વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા તથા ફેમિલી વિઝાના નિયમો પણ વધુ કડક કરવામાં આવશે.